મુંબઈમાં માત્ર સામાન્ય મુસ્લિમોને જ નહીં, પરંતુ મુસ્લિમ સેલિબ્રિટીઝને પણ ઘર મેળવવામાં મુશ્કેલીઓ પડે છે
મુંબઈ, તા.૪
સેન્ટ ઝેવિયર્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપિકા ડૉ.ઝીનત શૌકત અલી જ્યારે ર૦૦પમાં પાલી હિલ, બાંદ્રા ખાતે ઘરની શોધમાં નીકળ્યા ત્યારે તેમને આઘાતજનક અનુભવ થયો હતો. અને ઘણા દલાલોએ મારા ધર્મને ધ્યાનમાં રાખીને મકાન શોધી આપવાની મારી વિનંતી નકારી કાઢી હતી. મેં હમણા જ પૂણે ખાતેની મારી મિલ્કતો વેંચી કાઢી હતી અને પાલી હિલ વિસ્તારમાં મકાન ખરીદવા માટે મારી પાસે પૈસા પણ હતા. હું મારી પરિવાર સાથે મુંબઈ સ્થળાંતર થઈ હતી. અમે બધા શહેરી, સુશિક્ષિત મુસ્લિમો છીએ, તેમ છતાં અમારા પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવે છે ‘એવું ડૉ.ઝીનત અલીએ જણાવ્યું છેવટે તેમને શલી રાજન રોડ ખાતે ફલેટ ખરીદીને સંતોષ માનવો પડયો હતો.
આવા જ પૂર્વાગ્રહનો અનુભવ મહિલા વકીલ ફલેવિયા એગ્નેસને થયો હતો. તેઓ મુસ્લિમ નહીં હોવા છતાં સાંતાક્રુઝમાં ઓફિસ શોધતી વખતે તેમને દુઃખદ અનુભવ થયો હતો. કેથલિક એગ્નેસ પ્રત્યે તેમના નામના કારણે નહીં, પરંતુ તેમના મહિલા અધિકાર સંગઠન ‘મજલિસ’ના કારણે ભેદભાવ દાખવવામાં આવ્યો હતો. વાસ્તવમાં ‘મજલિસ’ ઉર્દૂ શબ્દ છે જેના અર્થ સમૂહ કે સંગઠન એવો થાય છે.
મને દલાલો અને રજિસ્ટ્રારની ઓફિસના અધિકારીઓએ મારા આ એનજીઓનું નામ બદલીને કોઈ હિન્દી કે અંગ્રેજી નામ રાખવા વારંવાર જણાવ્યું હતું પરંતુ મેં તે માટે ના પાડી દીધી હતી એવું એગ્નેસે જણાવ્યું હતું. તેમને પણ આખરે કાલિનાના ગોલ્ડન વેલી એપાર્ટમેન્ટસમાં ઓફિસ ખરીદવી પડી હતી.
આ પ્રકારનો પૂર્વાગ્રહ કે ભેદભાવ માત્ર સામાન્ય માણસ પૂરતો મર્યાદિત નથી- ઈમરાન હાશ્મી, શબાના આઝમી અને આમીરખાન જેવા ફિલ્મ કલાકારોને આવાસ શોધતી વખતે આઘાતજનક અનુભવો થયાની વાતો તેમણે કરી છે.
જે શહેરોમાં આવાસને લગતો પૂર્વાગ્રહ વ્યક્તિના ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, વૈવાહિક દરજ્જો અને ભોજનની પસંદગીના આધારે પ્રવર્તતો હોય એ શહેરમાં ‘સૌથી વધુ પૂર્વાગ્રહ અને ભેદભાવનો ભોગ મુસ્લિમ બને છે એવું મુસ્લિમ સમુદાયના સભ્યો પોતાના અંગત અનુભવોને ટાંકીને જણાવે છે.
યુવાન મુસ્લિમોને રોજગાર શોધવામાં મદદ કરતા એનજીઓ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સના સંચાલક આમીર એદ્રેસી જણાવે છે કે મુંબઈની બહારના મુસ્લિમોને પણ આ સામાન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.
સામાન્યતઃ મુસ્લિમોને મુસ્લિમ વિસ્તારોમાં જવાનું કહેવામાં આવે છે. પરંતુ મુંબઈ જેવા શહેરમાં લોકો પોતાના કામકાજના સ્થળની આસપાસ ઘર શોધતા હોય છે, પરંતુ આવા વિસ્તારો મુસ્લિમની પહોંચ બહાર હોય છે’ એવું તેમણે જણાવ્યું હતું.
જો કે હિન્દુસ્તાન ઉર્દૂ દૈનિક અખબારના તંત્રી સરફરાઝ આરઝૂ જણાવે છે ‘‘આ બાબતે કોઈ આવો સામાન્ય નિષ્કર્ષ કાઢી ન શકાય દાદર અને મલબાર હિલ જેવા કેટલાક વિસ્તારો અને વસાહતો છે જ્યાં મુસ્લિમોની હાજરીનો સખત વિરોધ કરવામાં આવે છે અન્યથા મુંબઈ જેવા મોટા શહેરમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે.
૧૯૯ર-૯૩ના રમખાણોની અસરો
રમખાણો પૂર્વે મુંબઈ પચરંગી શહેર હતું પરંતુ રમખાણો અને બોંબ વિસ્ફોટોએ હિન્દુ અને મુસ્લિમ કોમો વચ્ચે ઉંડી ખાઈ ઉભી કરી હતી એવું યુનિવર્સિટી ઓફ મુંબઈ ખાતે પુરાતત્ત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કુરુશ એફ દલાલ જણાવે છે થોડા સમય માટે તો એવું લાગ્યું હતું જાણે શહેરમાં અન્ય કોમ છે જ નહીં જાણે પારસી ખ્રિસ્તીઓ કે યહુદીઓ છે જ નહીં શહેરમાં જાણે લડતી ઝઘડતી માત્ર બેજ કોમો હતી’ એવું તેમણે ઉમેર્યું હતું.
ભેદભાવનો ભોગ બનનારી સેલિબ્રિટીઝ
- ર૦૦૯માં અભિનેતા ઈમરાન હાશ્મીએ બાંદ્રાની એક હાઉસીંગ સોસાયટી પર એવો આક્ષેપ કર્યો હતો કે તે મુસ્લિમ હોવાથી તેમને ફલેટ ખરીદવા એનઓસી આપવા સોસાયટીએ ઈન્કાર કર્યો હતો.
- અભિનેતા સૈફઅલી ખાને ર૦૦૮માં એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે તેને પણ મુંબઈમાં ઘર ખરીદવામાં મુશ્કેલી પડી હતી અને અનેક બિલ્ડરોએ તેને ના પાડી દીધી હતી. છેવટે તેને મુસ્લિમ બિલ્ડર પાસે જવું પડયું હતું.
- મોડલ અને અભિનેત્રી સોફી ચૌધરીએ ર૦૦૮માં અખબારને જણાવ્યું હતું કે, સાંતાક્રૂઝ, જુહુ,ખાર અને બાંદ્રાના બિલ્ડરોએ તેની અટકની મુસ્લિમ ઓરીજન હોવાથી તેમને મકાન આપવાની ના પાડી દીધી હતી.
- અભિનેત્રી અને સામાજિક કર્મશીલ શબાના આઝમીએ ર૦૦૮માં એક અખબારને જણાવ્યું હતું કે, તેને અને તેના પતિ જાવેદ અખ્તરને તેમના ધર્મના કારણે ફલેટ આપવાની ના પાડી દીધી હતી.
મુંબઈમાં મુસ્લિમોનો ઈતિહાસ - મુંબઈ યુનિવર્સિટીમાં પુરાતત્ત્વના આસિસ્ટન્ટ પ્રોફેસર કુરુશ એફ દલાલે જણાવ્યું હતું કે, ૧પમી સદીમાં મુસ્લિમો માહિમ અને બાંદ્રાના બંદરોની નજીક રહેતા હતા. આ બંદરો પર ગુજરાતના સુલ્તાન મોહમ્મદ શાહનો અંકુશ હતો જેમણે છેવટે ૧પ૩૦માં પોર્ટુગીઝોને આ બંદરો ગુમાવી દીધા હતા. ત્યાં સુધી કોંકણી મુસ્લિમો શહેરના ભાગરૂપ જ હતા.
- હિન્દુસ્તાન ઉર્દૂ દૈનિકના તંત્રી સરફરાઝ આરઝૂએ જણાવ્યું હતું કે, ઘણા કોંકણી મુસ્લિમો મઝગાંવ ગોદીની આસપાસ ઠરીઠામ થયા હતા.
- ૧૮પ૭ના બળવા બાદ ઉત્તરપ્રદેશ અને ઉત્તર ભારતમાંથી મુસ્લિમો મુંબઈમાં સ્થળાંતર થયા હતા તેઓ હેન્ડલૂમ પાવર મિલ્સમાં કામ કરતા હતા અને સેન્ટ્રલ મુંબઈની આસપાસ વસ્યા હતા.