નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્ર સરકારે ૧૯૮૪ના શિખ રમખાણોની નવેસરથી તપાસ કરી રહેલી એસઆઈટીની મુદતમાં ૧ વર્ષનો વધારો કર્યો છે. એસઆઈટીનું ગઠન ફેબ્રુઆરી ર૦૧રમાં ૬ મહિના માટે કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના પૂર્વ નિવૃત્ત જજ જી.પી. માથુરની અધ્યક્ષતામાં કમીટીની ભલામણોના આધારે નવેસરથી તપાસ કામગીરી સોંપાઈ હતી. એસઆઈટીએ જો કે પ્રાથમિક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપરત કર્યા છે. એસઆઈટી રમખાણોના મહત્વપૂર્ણ કેસોની ફેર તપાસ કરી રહી છે. જેમાં દિલ્હી પોલીસ સ્ટેશન અને બીજા રાજ્યોની પોલીસ સ્ટેશનોમાં પણ તપાસ કરી રહી છે. જ્યાં તોફાનો ફાટી નીકળ્યા હતા. એસઆઈટી એસ.ડી. જૈન અને ડી.કે. અગ્રવાલ કમિટીઓ દ્વારા અપાયેલા રિપોર્ટની પણ તપાસ કરી રહી છે. ગૃહ મંત્રાલયે એસઆઈટીને જણાવ્યું છે કે તપાસ પછી યોગ્ય જણાય એ રીતે ચાર્જશીટો દાખલ કરવામાં આવે.