ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ વધતી જતી લૈંગિક હિંસા પર ચિંતા વ્યક્ત કરતો યુકેના મહિલા સંગઠનોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર
આરએસએસ ઈટાલિયન ફાસીવાદી અને જર્મન નાઝી પક્ષો પર આધારિત અર્ધલશ્કરી સંગઠન છે
આરએસએસ અને સંલગ્ન સંગઠનોને ખૂલ્લેઆમ વખોડી કાઢવા મોદીને અપીલ : સાવરકરની વિચારધારાનો ર૦૦રના રમખાણોમાં અમલ થયો હતો
(એજન્સી) લંડન,તા. ૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નવેમ્બરમાં યુકેની મુલાકાત લેનાર છે ત્યારે ૧૪ અગ્રણી મહિલા સંગઠનો અને યુકેની ર૦થી વધુ મહિલા શિક્ષણ સંસ્થાઓએ ભારતમાં વધતી જતી લૈંગિક હિંસા પર ચિંતા વ્યક્ત કરતો એક પત્ર લખ્યો છે.
આ પત્રમાં હસ્તાક્ષરીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે વડાપ્રધાનના સંંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરએસએસને તેના નેતાઓની જાહેરાતોમાં ખૂલ્લેઆમ સ્ત્રીઓ પ્રત્યેના હિંસક તિરસ્કાર વ્યક્ત થતો હોવાનું જણાવીને આરએસએસ ઈટાલિયન ફાસીવાદી અને જર્મન નાઝી પક્ષો પર આધારિત અર્ધલશ્કરી સંગઠન તરીકે ગણાવ્યું છે.
અખબારી અને અન્ય મીડિયા પૂરાવા ટાંકીને તેમણે મહિલા વિરૂદ્ધની હિંસા માટે જવાબદાર વ્યક્તિઓના નામો જણાવીને મોદીને ન્યાય અપાવવા અપીલ કરી છે.
આરએસએસના ભગિની સંગઠન બજરંગદળના નેતા બાબુ બજરંગી ર૦૦૭માં ગુજરાતના ર૦૦રના રમખાણો દરમ્યાન પોતે ગુજારેલા બળાત્કાર અને હત્યાઓની બડાશ હાંકતા કેમેરા પર ઝડપાયા હતા. બજરંગી સામે ગંભીર આક્ષેપો થયા છે, પરંતુ તેઓ જામીન પર સતત બહાર છે અને ર૦૦રના નરસંહારમાં સંડોવાયેલા અન્ય અનેક આરોપીઓની જેમ અસરકારક રીતે બહાર છે, એવું પત્રમાં લખવામાં આવ્યું છે.
અમિત શાહને બરતરફ કરો
મોદીના પોતાના કેબિનેટમાં એવા કેટલાક પ્રધાનો છે જે જેમની સામે બળાત્કાર સહિતના અપરાધી કેસો પડતર છે. (સંજીવ બાલિયાન કૃષિ પ્રધાન એક દાખલારૂપ, આવા પ્રધાન છે) અમે આ લોકોને બરતરફ કરવા જણાવીએ છીએ એવું જણાવીને પત્રમાં લખ્યું છે કે તમારા સલાહકાર અમિત શાહને પણ બરતરફ કરો કે જેમણે આપણી માતા બહેનો સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે બદલો હિન્દુઓને હાકલ કરીને એપ્રિલ ર૦૧૪માં ચૂંટણી પ્રચાર દરમ્યાન સીધી રીતે બળાત્કાર માટે ઉશ્કેર્યા હતા.
પત્રમાં એવી નોંધ લેવામાં આવી છે કે ૧૩ વર્ષથી નીચેની વયના બાળકોને ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને ધિક્કારવા માટે શીખવવા બદલ બ્રિટિશ ચેરીટી કમિશનર આરએસએસની યુકે પાંખની તપાસ કરી રહ્યું છે.
‘આ પરથી એક વાત ચોક્કસ છે કે આ એવા સંગઠનો નથી જેના દ્વારા એક લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ ભારતના વડાપ્રધાનનો દોરી સંચાર થવો જોઈએ કે તે માટે તેઓ જવાબદાર ગણાવા જોઈએ’ એવું જણાવીને પત્રના અંતમાં ઉમેર્યું છે કે અમે વડાપ્રધાન મોદીને આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરવા અપીલ કરીએ છીએ. શું તમે આરએસએસ અને તેના સંલગ્ન સંગઠનો દ્વારા હેટ ક્રાઈમ્સ (નફરત ભડકાવતા અપરાધો), પુરૂષ પ્રધાન હિંસા અને સ્ત્રીઓ વિરૂદ્ધના તિરસ્કારને માન્ય રાખી સમર્થન આપો છો ? જો તમે તેને સમર્થન આપતા ન હોવ તો અમે આ સંગઠનોને ખૂલ્લેઆમ વખોડી કાઢવા આપને અનુરોધ કરીએ છીએ. આ પત્ર પર સહી કરનારાઓમાં આશા પ્રોજેક્ટ-લંડનના ડાયરેકટર ઈલા પટેલ, ઝલાકા અહેમદ, આશિયાના નેટવર્ક લંડનના ડાયરેકટર, સરબજીત ગાંગર, બ્લેક એસોસિએશન ઓફ વિમેન સ્ટેપ આઉટના ડાયરેકટર જવેન્યા ચિમ્બા, સહેલી માંચેસ્ટરના ડાયરેકટર પ્રિયા ચોપરા અને સાઉથ ઓલ બ્લેક સિસ્ટર્સ લંડનના પ્રજ્ઞા પટેલનો સમાવેશ થાય છે. આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરએસએસના વડા મોહન ભાગવતે ર૦૧૩માં એવું જાહેર કર્યું હતું કે, બળાત્કારની ઘટનાઓ માત્ર પાશ્ચાત્ય દેશોમાં જ બને છે. આરએસએસના વિચારક વીડી સાવરકરે હિન્દુ પુરૂષોને બિન હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કરીને તેમની મર્દાનગી પૂરવાર કરવા અપીલ કરી હતી. બિનહિન્દુ મહિલાઓને શત્રુ સંસ્કૃતિના પ્રતિક તરીકે જોવામાં આવે છે. સાવરકરની આ વિચારધારાની આપના દ્વારા જાહેરમાં ઝાટકણી કાઢવી અમારા મતે ખાસ મહત્ત્વની છે કારણ કે, ર૦૦રમા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આપની દેખરેખ હેઠળ આ ‘થિયરી’નો અમલ કરવામાં આવ્યો હતો અને અસંખ્ય મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર થયા હતા અને તેમની કતલ અને હત્યાઓ થઈ હતી.