અક્ષમ્ય અદાલતી વિલંબ : રાજ્યના તમામ વિભાગોની નિષ્ફળતાની પોલ ઉઘાડી પડી ગઇ
૨૨ મે ૧૯૮૭ના રોજ હાશિમપુરા, મેરઠના ૪૦ જેટલા મુસ્લિમોની ઠંડે કલેજે કરાયેલી હત્યાઓના આરોપી પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી (પીએસી)ના કર્મચારીઓ સામે ખટલાની કાર્યવાહી શરૂ થતા ૧૯ વર્ષ કરતા વધુ સમય લાગ્યો અને ૧૫ જુલાઇ ૨૦૦૬ના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ખટલાની કાર્યવાહી શરૂ થઇ હતી. એ માત્ર અદાલતી વિલંબનો કેસ નથી પરંતુ કાયદાના માર્ગની અપ્રમાણિકતાનો પણ કેસ છે જેની ચકાસણી થવી જોઇએ કે જેથી તંત્રએ આ પ્રકારના ઘાતકી નફરત અપરાધોમાં કેવી રીતે શિક્ષા મુક્તિનું વાતાવરણ ઊભું થયું કે જેના કારણે સરકારી વર્દીધારી સહિતના અપરાધીઓ સહિતની કેવી રીતે હિંમત ખુલી જાય છે અને પીડિતોમાં કઇ રીતે હતાશા ઊભી થાય છે તે સમજી શકાય.
દિલ્હીની અદાલતના એડિશનલ સેશન જજ એન પી કૌષિકના તા.૧૮ મે ૨૦૦૬ના આદેશ અનુસાર સીઆઇડીની ક્રાઇમ બ્રાન્ચના તપાસ રિપોર્ટ આધારીત ફરિયાદી પક્ષનો એવો કેસ છે કે ગેરકાયદેસર શસ્ત્રોની તપાસના નામે મેરઠ શહેરના હાશિમપુરા મહોલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને ૬૪૪ જેટલા લોકોને (તમામ મુસ્લિમો) તેમના ઘરોમાંથી પકડી પકડીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ૬૪૪ લોકોમાંથી ૪૨ને (મોટા ભાગના યુવાનો) સીધા પીએસીની ટ્રકમાં અપરગંગા કેનાલ મુરાદનગર લઇ જવાયા હતા કે જ્યાં કેટલાક પર ગોળીબાર કરીને તેમના મૃતદેહો કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને બાકીના કેટલાકને હિંદોન નદી પર લઇ જવામાં આવ્યા હતા કે જ્યાં આવું જ ઓપરેશન હાથ ધરાયું હતું. તેમને બધાને મૃત જાહેર કરાયા હતા અને માત્ર ગણ્યા ગાઠ્યા લોકો જ બચી ગયા હતા અને ૨૨-૨૩ મે ૧૯૮૭ના રોજ બચી ગયેલા લોકોના નિવેદનના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. થોડા દિવસો બાદ મૃતદેહો કેનાલના પાણીમાં તરતા દેખાયા હતા અને સમગ્ર વિશ્વમાં આઘાત વ્યાપી ગયો હતો.
આ ઘાતકી ઘટનાએ સમગ્ર દેશનો અંતરાત્મા ઢંઢોળ્યો હતો અને મોટા ભાગના નાગરીકોનો રોષ ભભુકી ઊઠ્યો હતો કારણ કે આ કેસમાં જે લોકો રક્ષકો હતા એ લોકો જ હત્યારા બન્યા હતા. આ ઘટનાઓ પર આમરણાંત ઉપવાસ કરનાર સુબ્રમણ્યમ સ્વામીએ તેને નરસંહારનો કેસ ગણાવ્યો હતો અને નિખિલ ચક્રવર્તીએ આ ઘટનાને યહુદીઓ વિરોધની નાઝી અત્યાચાર સાથે તુલના કરી હતી. ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે હાશિમપુરા કરૂણાંતિકા મારા જીવનની સૌથી આઘાતજનક ઘટના હતી.
આઇ કે ગુજરાલ, રાજીન્દર સચર, કુલદિપ નાયર, સુભદ્રા જોષી અને બદર-ઉદ-દિન તૈયબજી સહિતના અગ્રણી લોકોએ એક સંયુક્ત નિવેદનમાં માંગણી કરી હતી કે સરકારે પોતાના યુનિફોર્મને કલંકિત કરનાર પીએસી અને પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ અને તેમના દુષ્કૃત્યોને દેશદ્રોહ સાથે સરખાવવા જોઇએ અને સ્પેશિયલ કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ ખટલાની કાર્યવાહી ચલાવવી જોઇએ. જસ્ટિસ રાજીન્દર સચરના વડપણ હેઠળની તપાસ ટીમે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન રાજીવ ગાંધીને તપાસ અહેવાલ સાથે પત્ર લખ્યો હતો તેમ છતાં કોઇ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી અને એવી સલાહ આપવામાં આવી હતી કે તેનાથી સશસ્ત્ર પોલીસનું મનોબળ તૂટી જશે.
જ્યારે સરકાર પર દબાણ વધ્યું ત્યારે મુખ્ય પ્રધાન બી.બી સિહે સીઆઇડીની ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ શરૂ કરી હતી. ફેબ્રુ.૧૯૯૪માં ૭ વર્ષ બાદ જ્યારે તપાસ અહેવાલ સુપરત કરાયો ત્યારે આ નરસંહાર માત્ર રાજકીય વર્ગ દ્વારા જ નહીં પરંતુ સિવિલ સોસાયટીના તમામ લોકોના વર્ગ દ્વારા એક દુઃસ્વપ્ન તરીકે ભુલાઇ ગયો હતો. પિપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (પીયુડીઆર) દ્વારા ૧૯૮૭માં કેસની તપાસ અને પીડિતોને વળતર માટે સુપ્રીમકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઇ હતી અને રાબેતા મુજબ ૧૨ સપ્ટે.૧૯૯૦ના રોજ તેનો નિકાલ કરાયો હતો અને યુપી સરકારે રૂા.૨૦,૦૦૦નું જે વળતર નક્કી કર્યું હતું તે વધારીને રૂા.૪૦,૦૦૦ કરવામાં આવ્યું હતું.
સીઆઇડીની ક્રાઇમ બ્રાંચ દ્વારા અહેવાલ સુપરત થયા બાદ હાશિમપુરાના કેટલાક પીડિતોએ ફેબ્રુ.૧૯૯૫માં તપાસ અહેવાલ જાહેર કરવાની દાદ માંગતી અને દોષિતો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને પીડિતોને પર્યાપ્ત વળતર આપવાની માંગણી કરતી રિટ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમકોર્ટે કલમ ૩૨ હેઠળ આ અરજી દાખલ કરવા માટે આ કેસને યોગ્ય ગણ્યો ન હતો અને પિટિશનરને હાઇકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સીઆઇડી ક્રાઇમ બ્રાંચે પીએસી એ પોલીસના ૬૦ કરતા વધુ કર્મચારીઓને દોષિત ઠરાવ્યા છતાં યુપી સરકારે નીચેની રેંકના માત્ર ૧૯ પોલીસકર્મીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી અને બીજા સામે કેવા વિભાગીય પગલા લેવામાં આવ્યા હતા તે જાહેર કરવામાં આવ્યું નથી ઉલ્ટાનું તેમાના કેટલાકને પ્રમોશન આપવામાં આવ્યા હતા.
વળતરના મુદ્દે યુપી સરકારે એવી વળતી એફિડેવિટ દાખલ કરી હતી કે સુપ્રીમકોર્ટના આદેશની એવી પૂર્તતા તરીકે રૂા.૪૦,૦૦૦નું વળતર ચુકવ્યું છે તેથી આ મુદ્દો બંધ કરવામાં આવ્યો હતો. યુપી સરકારે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ગાઝીયાબાદની કોર્ટમાં હત્યા, હત્યાનો પ્રયાસ, કાવતરુ અને પુરાવા છૂપાવવા અંગેની કલમો હેઠળ ૨૦ મે ૧૯૯૬ના રોજ પીએસીના ૧૯ કર્મચારીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ જાન્યુ.૧૯૮૭થી એપ્રિલ ૨૦૦૦ વચ્ચે અદાલત દ્વારા ૨૩ વખત જામીનપાત્ર અને બિનજામીન પાત્ર વોરંટ્સ બજાવવા છતાં પીએસીના તમામ આરોપી કર્મચારીઓ સેવામાં ચાલું રહેવા છતાં અને ફાઇલમાં તેમના નિવાસિય અને નિમણૂંકના સરનામા હોવા છતાં તેમને અદાલતમાં ક્યારેય રજૂ કરવામાં આવ્યા ન હતા. ત્યાર બાદ રાષ્ટ્રીય લઘુમતી પંચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ઉ.પ્ર. સરકારને દબાણ કર્યા બાદ મે મહિનાના અંતિમ સપ્તાહ અને જૂનના આરંભિક સપ્તાહમાં પીએસીના ૧૯ કર્મચારીમાંથી ૧૬ કર્મચારીઓએ સામૂહિક રીતે શરણાગતિ સ્વીકારી હતી. એક આરોપી ભાગેડુ હતો અને બીજો એક આરોપી મૃત્યુ પામ્યો હતો. ગાઝીયાબાદના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે તેમના જામીન નામંજૂર કર્યા હતા પરંતુ તેમની વિરુદ્ધ સીધા કોઇ પુરાવા નથી અને પીએસીના સભ્ય હોવાથી ડિસ્ટ્રીક્ટ જજે તેમના જામીન મંજૂર કર્યા હતા.
મે ૧૯૯૬થી જૂન ૨૦૦૦ દરમિયાન ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ગાઝીયાબાદની અદાલતના આદેશોનું વિષ્લેેષણ કરતા સ્પષ્ટ હતું કે ફરિયાદ પક્ષ અને આરોપી વચ્ચે સંતલસ હતી. તેના કારણે આ લેખકને ઉ.પ્ર.થી આ કેસ દિલ્હી તબદિલ કરવા સુપ્રીમકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી હતી અને સપ્ટે.૨૦૦૨માં ન્યાયના હિતમાં આ કેસ દિલ્હી તબદિલ કરાયો હતો. જો કે સપ્ટે.૨૦૦૨માં દિલ્હી તબદિલ થયા બાદ સક્ષમ અને સ્વતંત્ર પબ્લિક પ્રોસિક્યુટર્સ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ટીમની સમયસર નિમણૂંકના અભાવે આ કેસમાં બહુ પ્રગતિ થઇ શકી ન હતી. પાછળથી લાંબી પ્રતિક્ષા બાદ સરકારે સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂંક કરી હતી પરંતુ ટેકનિકલ કારણોસર તેમજ તીસ હજારી કોર્ટમાં મહિનાઓ સુધી ચાલેલી વકીલોની હડતાલના કારણે વારંવાર આ કેસની સુનાવણી મોકૂફ રહેતી હતી અને છેલ્લે એડિશનલ શેસન જજ એમપી કૌશિકે ૧૮-૨૪ મે ૨૦૦૬ ના રોજ આરોપી વિરુદ્ધ આરોપો ઘડવા આદેશ કર્યા હતા અને સાક્ષીઓના પુરાવા માટે ૧૫ જુલાઇ ૨૦૦૬ની તારીખ મુકરર કરી હતી.
ત્યાર બાદ ખટલાની કાર્યવાહી ઇરાદાપૂર્વક ધીમી પાડવાના પ્રયાસોની ગંભીર નોંધ લઇ અદાલતે ચીફ સેક્રેટરી અને અન્ય સબંધીત અધિકારીઓને નોટીસ બજાવી હતી તેમજ રાયફલ વગેરે રજૂ નહીં કરવાના કારણોની સ્પષ્ટતા કરવા માટે એડિશનલ એસપી મેરઠ સુશ્રી ભારતી સિંહને સમન્સ બજાવીને સુનાવણીની આગામી તારીખ ૨૨ જુલાઇના રોજ મુકરર કરવામાં આવી હતી. ૨૨ જુલાઇએ આ કેસમાં ઉપયોગમાં લેવાયેલ રાયફલો ફરીથી વેચી દેવામાં આવી હોવાનું સનસનીખેજ ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું હતું. તેની નોંધ લઇને અદાલતે પ્રથમ સાક્ષી ઝુલ્ફીકાર નાસીરની જુબાની લીધી હતી કે જેમણે જ્યારે પોતાના પર ગોળી છોડાઇ હતી અને મૃત માની લેવામાં આવ્યો હતો એ ૨૨મી મેના ઘાતકી હત્યાકાંડનું તાદ્રશ્યવર્ણન રજૂ કયુર્ં હતું. ત્યાર બાદ ૮મી ઓગસ્ટ ૨૦૦૬ના રોજ રાયફલો જમા કરવાવવામાં આવી હતી. આમ એક પછી એક સરકાર દ્વારા આ કેસની ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી હતી. ૧૯૮૨ના મેરઠ રમખાણો પર રાષ્ટ્રીય લઘુમતી પંચના તત્કાલિન સંયુક્ત સચિવ એનસી સકસેનાએ લખ્યું હતું કે ઘણા સ્થળોએ પીએસીની જેમ વર્તીને અત્યાચારો ગુજાર્યા હતા. નરસંહારના ગુના પર કોઇ કાયદાના અભાવમાં પણ બીબીસીની ઉ.પ્ર. સરકારને પ્રવર્તમાન બંધારણીય-કાનૂની જોગવાઇના સંદર્ભમાં બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદી શકાયું હોત અને રાષ્ટ્રપતિ શાસન હેઠળ પીએસીનાસ્પેશિયલ યુનિટને વિખેરી નાખીને આ હેતુ માટે રચાયેલ સ્પેશિય ટ્રિબ્યુનલ હેઠળ પોલીસ-પીએસીના આરોપી કર્મચારીઓ સામે કામ ચલાવી શકાયુ હોત. તદુપરાંત પીડિતોને ચુકવવા પાત્ર વળતરના મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઇએ.
કેન્દ્ર અને રાજ્ય સરકારે પીડિતોને ૫ લાખનું વળતર વ્યાજ સાથે સંયુક્ત રીતે ચુકવવા માટે અતિ તાકિદના ધોરણે કાર્યવાહી કરવી જોઇતી હતી કારણ કે આ કોઇ રમખાણો દરમિયાન પોલીસ ગોળીબારનો કેસ નથી પરંતુ રાજ્ય સરકારના દળો દ્વારા કોમવાદી મકસદ સાથે ઠંડે કલેજે કરાયેલી હત્યાનો કેસ છે.