કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાનો મોદી સામે આક્ષેપ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૬
કોંગ્રેસે દાદરી હત્યાકાંડને માત્ર દુખદ ઘટના ગણાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.મોદીનું આ નિવેદન બતાવે છે કે તેઓ બંધારણીય અને સામાજિક દવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે બેપરવાહ છે.કોંગ્રેસે આ ઘટના પર ઉશ્કેરણીજનક નિવેદનો કરનારા કેબિનેટ સાથીઓ અને પક્ષના સભ્યો વિરુદ્ધ મોદીેએ કેમ કોઇ કાર્યવાહી કરી નથી? એવુ પૂછ્યુ હતુ.
વડાપ્રધાનના દાદરી હત્યાકાંડ અંગેના નિવેદનની પ્ર્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ જણાવ્યુ હતુ કે મોદીની ટિપ્પણીઓ ખરેખર દુર્ભાગ્ય અને અમાનવીય છે.વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ભારતના ૧૨૫ કરોડ નાગરીકોની સુરક્ષા અને કલ્યાણ માટે જવાબદાર છે.સુરજેવાલાએ એવો આક્ષેપ કર્યો હતો કે મોદી હરીફ રાજકીય પક્ષો સહિત દરેકના પર દોષનો ટોપલો ઢોળીને પોતાની નિષ્ફળતાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દેશમાં નફરત ભડકાવતા લોકોને મોદી પ્રોત્સાહિત કરી રહ્યા છે.તેમણે જણાવ્યુ હતુ કે મોદીની દલીલનું હવે કોઇ વજન નથી.એ વાત સાચી નથી કે તેમના પ્રધાનો, ધારાસભ્યો અને સંઘ પરિવારના સાથીઓએ એક પછી એેક ભાગલાવાદી ,બેેજવાબદાર ઉશ્કેરણીજનક નિવેદનો કરીને દાદરીમાં બળતામાં ઘી હોમ્યુ છે.મોદીની નિષ્ક્રિયતાને પડકારતા કોંગ્રેસના પ્રવક્તાએ પૂછ્યુ હતુ કે મોદીએ દાદરીકાંડ પર ઉશ્કેરણી જનક નિવેદન કરવા બદલ પોતાના કેબિનેટના સાથી મહેશ શર્મા અને સંજીવ બાલિયન સામે કેમ કોઇ કાર્યવાહી કરી નથી.
વડાપ્રધાન મોદીએ ભાજપના સાંસદો અને ધારાસભ્યો-સાક્ષી મહારાજ.યોગી આદિત્યનાથ, તરુણ વિજય,સંગીત સોમ અને નવાબનગર સામે કેમ કોઇ કાર્યવાહી કરી નથી? એવો વેધક સવાલ સુરજેવાલાએ કર્યો હતો.