Motivation

આધુનિક શિક્ષણના ઘડવૈયા-સર સૈયદ એહમદ ખાન

સર સૈયદ ખાસ કરીને ભારતીય મુસ્લિમોમાં આધુનિક શિક્ષણના પ્રભાવ અને પ્રસાર તથા સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ બન્યા. તેઓ ભારતીય મુસ્લિમોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ચિંતિત હતા. સર સૈયદની માન્યતા હતી કે જો ભારતીય મુસ્લિમો વૈજ્ઞાનિક ઢબે અપાતા આધુનિક શિક્ષણ તરફ વળશે તો તેઓ અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર નીકળી શકશે.

સર સૈયદ અહેમદ ખાનનો જન્મ ૧૭ ઓકટોબર ૧૮૧૭ના રોજ દિલ્હીના નામદાર ધરણામાં થયો હતો. એમના પિતા સૈયદ મોહમ્મદ મુતક્કી એક સંત હતા. જેઓની મુગલ બાદશાહ અકબર બીજા દ્વારા પ્રધાનમંત્રી તરીકેની વરણી કરવામાં આવી હતી. પરંતુ તેઓએ અસ્વીકાર કર્યો હતો. સર સૈયદના માતા અજીજુન્નીસા બેગમે સર સૈયદના શિક્ષણ અને કેળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સર સૈયદની મહાનતામાં મોટા ભાગનું યોગદાન તેમની માતાનું છે. જેઓ ખૂબ જ ધાર્મિક અને કાબેલ હતાં. તેઓએ હંમેશા શિક્ષણની જરૂરિયાત ઉપર ભાર મૂકયો અને સર સૈયદને સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા. સર સૈયદ તેમના પુસ્તક ‘સીરતે ફરીદીયા’માં તેમની માતાનો તેમની જિંદગી પરના પ્રભાવને યાદ કરતા લખે છે કે ‘‘તેણી ખૂબ જ કાબિલિયતવાળા અને તીવ્ર સમજશક્તિવાળા હતા. તેઓ કુદરતી રીતે બુદ્ધિમતામાં ખૂબ જ આગળ પડતા હતા. જેઓએ મને પ્રાથમિક શિક્ષણ આપ્યું અને કુર્આન શીખવાડયું. તેમની આજ્ઞાઓ, બોધ અને સલાહો ખૂબ જ ડાહાપણભરી અને પ્રભાવિત કરનારી હતી.
સર સૈયદનું સંપૂર્ણ શિક્ષણ અરબી અને ફારસી ભાષામાં થયું હતું. બચપણથી જ તેઓ સહાબાએ કિરામ દ્વારા લખાયેલ પુસ્તકો અને મૌલાના રૂમીના પુસ્તકો વાંચવાના શોખીન હતા. શૈક્ષણિક ઉપરાંત તેઓ તૈરાકી, વ્યાયામ, ઘોડેસવારીમાં રસ ધરાવતા હતા. મુગલ દરબાર દ્વારા યોજવામાં આવતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહેતા હતા. ધીરે ધીરે સર સૈયદે તેમના ચિંતન અને મંથન દ્વારા ઉચ્ચકક્ષાના વિચારક અને સુધારકની નામના મેળવી.
જ્યારે ૧૯પ૭નો વિપ્લવ થયો હતો ત્યારે સરસૈયદ અંગ્રેજ સરકારમાં જજ તરીકે કાર્યરત હતા. વિપ્લવ પછી તેઓએ એક પુસ્તક લખ્યું ‘અસબાબે બગાવતે હિંદ’ (વિપ્લવના કારણો) જેમાં તેઓએ અંગ્રેજ સરકારને જ આ વિપ્લવની કારણભૂત ગણાવી. યાદ રહે કે એ વખતે આવું હિંમતભર્યું કાર્ય આસાન ન હતું. ૧૯પ૭ના વિપ્લવ અને એ પછી હિંદના મુસલમાનોની કથળતી હાલત જોઈ સર સૈયદના જીવનમાં ખૂબ જ મોટો વળાંંક આવ્યો. તેઓ દિવસે દિવસે આછી પડતી મુસ્લિમોની પરિસ્થિતિ માટે ચિંતિત અને કાર્યરત બન્યા.
સર સૈયદ ખાસ કરીને ભારતીય મુસ્લિમોમાં આધુનિક શિક્ષણના પ્રભાવ અને પ્રસાર તથા સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ બન્યા. તેઓ ભારતીય મુસ્લિમોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ચિંતિત હતા. સર સૈયદની માન્યતા હતી કે જો ભારતીય મુસ્લિમો વૈજ્ઞાનિક ઢબે અપાતા આધુનિક શિક્ષણ તરફ વળશે તો તેઓ અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર નીકળી શકશે. આથી સર સૈયદે પશ્ચિમી શિક્ષણ ઉપર ભાર મૂકયો અને એક શૈક્ષણિક ક્રાંતિની શરૂઆત કરી. સર સૈયદ જાણતા હતા કે આ કાર્ય ખૂબ જ કપરૂં અને કઠીન છે. ખાસ કરીને તેઓને એવા સમાજને અંગ્રેજીના શિક્ષણ તરફ તૈયાર કરવાનો હતો કે જે વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહ્યો હતો અને અંધશ્રદ્ધાઓ અને અજ્ઞાનતાથી ઘેરાયેલો રહ્યો હતો. પરંતુ તેઓ જાણતા હતા કે અંગ્રેજી મીડિયમમાં અપાતું વૈજ્ઞાનિક ઢબનું આધુનિક શિક્ષણ જ સમયની માંગ છે અને જો મુસ્લિમો તને નકારશે તો આવનારા સમયમાં દુનિયાથી કદમ નહીં મીલાવી શકે. સર સૈયદે હિંમતથી આ બીડું ઉપાડયું. તેઓએ ‘તેહજીબુલ અખલાક’ નામનું મેગેઝીન શરૂ કર્યું અને તેમાં આધુનિક શિક્ષણના પ્રસાર માટે પોતાના વિચારો રજૂ કર્યા. જોતજોતામાં સર સૈયદની ચળવળને ચોતરફી સહકાર મળવા લાગ્યો. ઘણાં વિરોધો પણ થયા પરંતુ સર સૈયદના મક્કમ નિર્ધારને ડગમગાવી શકયા નહીં. સર સૈયદની તેમના ચળવળ પ્રત્યેની આસ્થા અને પ્રામાણિકતા જોઈને તે સમયના વિદ્વાન જેવા કે ખ્વાજા અલ્તાફ હુસેન હાલી, મીર વિલાયત હુસેન, મૌલવી નજીર અહેમદ, વિકારુલ મુલ્ક, મૌલાના શીબ્લીનોમાની, મોહસીનુલ મુલ્ક, મૌલવી સૈયદ મુમતાજ અને શેખ અબ્દુલ્લાહ (પાપામીયા) પણ પણ જોડાયા અને સર સૈયદની ચળવળને વેગ મળ્યો.
‘આજે ઘણાં એવા લોકો છે જેઓ એ મંતવ્ય ધરાવે છે કે રાજકીય બાબતો ચર્ચવાથી રાષ્ટ્રીય ઉદ્દેશોને વેગ મળશે. હું તેમની સાથે સંમંત નથી પરંતુ મારા મતે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર જ એક માત્ર ઉપાય છે જે રાષ્ટ્રીય ઉદ્દેશોને ઉત્તેજન આપશે. આજે આપણું રાષ્ટ્ર કશુંક ઝંખી રહ્યું છે તો તે બીજું કાંઈ નહીં પરંતુ શિક્ષણનો પ્રસાર જ છે. અગર જો આપણા દેશમાં શિક્ષણનો પ્રસાર પૂરતો થશે તો આપણે આપણી તળિયેની સ્થિતિમાંથી ઉભરાવાના પૂરતા માધ્યમો મળશે.
લગભગ ૧પ૦ વર્ષો પહેલાં કહેલ સર સૈયદના ઉપરોક્ત શબ્દો તેમના શિક્ષણ પ્રત્યેના અભિગમ અને દુરંદેશીતાનો ખ્યાલ આપે છે. સર સૈયદે ભારતીય મુસ્લિમોમાં શિક્ષણના ઉત્થાન માટે વહેવારૂં પગલાં લીધા. ૧૮પ૯માં તેઓએ મુરાદાબાદમાં એક સ્કૂલની સ્થાપના કરી જેમાં ફારસી અને અંગ્રેજી મુખ્ય વિષયો હતા. ૧૮૬૩માં તેઓએ એક બીજી અંગ્રેજી મીડિયમ શાળા ગાજીપુર ખાતે સ્થાપી. તેઓએ ગાજીપુર ખાતે જ ‘સાયન્ટીફીક સોસાયટી’ની સ્થાપના ૧૮૬૪માં કરી. જેમાં મુખ્યત્વે આધુનિક સાહિત્યનું અંગ્રેજીમાંથી ફારસી, ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યો જેથી લોકો સહેલાઈથી સમજી શકે. આજ સાયન્ટીફીક સોસાયટીએ ૧૮૬૬માં એક સામાયિક પ્રકાશન કર્યું જે ‘ધી અલીગઢ ઈન્સ્ટીટયુટ ગજેટ’’ નામે મશહુર બન્યું. આ સામાયિક ઉર્દૂ અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થતું રહ્યું. આ સામાયિકનો મુખ્ય હેતુ ભારતીય મુસ્લિમો અને અંગ્રેજો વચ્ચે મિત્રતા અને સદભાવ વધારવાનો હતો. આ અરસામાં સર સૈયદ ૧૮૬૯માં ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. ઈંગ્લેન્ડમાં તેમનો રોકાણ દરમ્યાન સર સૈયદે અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. ઈંગ્લેન્ડની ઓકસફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓની શિક્ષણ પ્રણાલીથી ખૂબ જ પ્રભાવિત થયા. એ જ વખતે તેઓએ ઓકસફોર્ડ અને કેમ્બ્રિજ યુનિ.ઓની ઢબે શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થા ભારતમાં ખોલવાનો નિર્ધાર કર્યો.
સર સૈયદ ૧૮૭૦માં ઈંગ્લેન્ડથી પરત ફર્યા અને તેઓએ એક સોસાયટીનું ગઠન કર્યું. જે ‘છ ર્જષ્ઠૈીંઅ ર્કિ ંરી ઈઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ર્િખ્તિીજજર્ ક ૈંહઙ્ઘૈટ્ઠહ સ્ેજઙ્મૈદ્બજ’ તરીકે જાણીતી બની. આ એ જ સોસાયટી હતી જે પાછળ જતા ઐતિહાસિક મોહમ્મદન એન્ગલો ઓરીએન્ટલ કોલેજ’ની અલીગઢ ખાતે સ્થાપના માટે નિર્મિત બનવાની હતી. સર સૈયદનું ખૂબ જ અગત્યનું અને નોંધનીય પ્રદાન અલીગઢ ખાતે ‘મોહમ્મદન એન્ગલો ઓરીએન્ટલ કોલેજ’ની સ્થાપના હતી. જેની ૧૮૭પમાં શરૂઆત થઈ. એના બીજા જ વર્ષે સર સૈયદે તેમની સરકારી સર્વિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અને આ કોલેજના સિંચન માટે કાયમી ધોરણે અલીગઢમાં ઠરી ઠામ થયા. ૧૮૭૭માં ભારતના વાઈસરોય લોર્ડ લીટ્ટન દ્વારા કોલેજનું ઔપચારિક ઉદ્‌ઘાટન થયું. સર સૈયદે આ કોલેજનું સંચાલન ખૂબ જ કાળજીપૂર્વક અને તન-મન-ધનથી કર્યું. તેમને શિક્ષણનું બીડું તે સમયના ઉચ્ચ વિદ્વાન અને નિપૂણ પ્રાધ્યાપકો પર છોડયું અને એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું કે શિક્ષણની સાથે સાથે વ્યાયામ, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે પણ વિદ્યાર્થીઓને સાંકળવામાં આવે જેથી તેમનો બહુમુખી પ્રતિભાઓનો સર્વાંગી વિકાસ શકય બને.
થોડા જ વર્ષોમાં અલીગઢની મોહમ્મદન એન્ગ્લો ઓરીએન્ટલ કોલેજ એક ફર્સ્ટકલાસ રહેણાંક સંસ્થામાં ફેરવાઈ. આચાર્ય અને પ્રાધ્યાપકો કોલેજની આજુબાજુ જ રહેવા લાગ્યા અને વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્ક જાળવ્યો. મોહમ્મદન એન્ગ્લો ઓરીએન્ટલ કોલેજની સ્થાપનાની સાથે જ અલીગઢ ભારતીય ઉપખંડના મુસ્લિમોની સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. અહીંયા મુસ્લિમ વિદ્યાર્થીઓમાં ફકત કલા અને વિજ્ઞાનનું માર્ગદર્શન જ નહીં પરંતુ તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતા જળવાય તેવી લાગણી પણ વિકસી. જે શિક્ષણનીતિ સર સૈયદે અનુસરી તે ચાર મુખ્ય સ્તંભો પર આધારિત હતી. (૧) આધુનિકતાની ઉન્નતિ (ર) ઈસ્લામિક સિદ્ધાંતોની જાળવણી (૩) મુસ્લિમોન સામાજિક અને આર્થિક પ્રગતિ માટે જાગૃતતાની મુહીમ (૪) ભારતની બધી જ ધાર્મિક કોમોનો સહકાર.
મોહમ્મદન એન્ગ્લો ઓરીએન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ ભારતના મુસ્લિમોના પુનરોદ્ધાર માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઈ.સ.૧૯ર૦માં કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. આજે સર સૈયદે સ્થાપેલી નાનકડી કોલેજ ૧૦પ૦ એકરમાં ફેલાઈને વિશાળ વટવૃક્ષ સમી ઊભી છે. આજે યુનિ. ૧૦૯ ડીપાર્ટમેન્ટો, ૬ કોલેજો, ર પોલિટેકનિકો, પ શૈક્ષણિક સંસ્થાઓ, ૧૩ શૈક્ષણિક કેન્દ્રો, ર૧ રેસીડેન્સી હોલ અને ૧૦૮ હોસ્ટેલોનું સંચાલન કરે છે. આ વર્ષે તેના રજીસ્ટરમાં ૩૮૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૮૦૦ શિક્ષકો નોંધાયેલ છે. અલીગઢમાં ભણેલા વિદ્યાર્થીઓ આજે પુરી દુનિયાભરમાં શૈક્ષણિક, વ્યવસાયિક, સામાજિક, રાજકીય, રમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓમાં જોડાયેલ છે. અને મશહુર કવિ અસરારૂલ હક મજાજ લખનવીએ લખેલ તરાનાએ અલીગઢના એ શબ્દો ‘જો અબ્ર યહા એ ઉઠેગા, વો સારે જહાં મેં બરસેગા, યે અબ્ર હંમેશા બરસા હે, યે અબ્ર હંમેશા બરસેગા’ને યથાર્થ કરી રહ્યા છે. –ઝુલ્ફીકાર શેઠ

Related posts
Motivation

માત્ર ફેન્સ માટે પીએચડી છોડનાર, મહિલા ૮,૩૦,૦૦,૦૦૦ રૂપિયાની કમાણી કરે છે, તે પાકિસ્તાની હોવાનું કહેવાય છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮યુટ્યુબર…
Read more
Motivation

૨૨ વર્ષની વયે પિતાના બિઝનેસમાં જોડાઈ, પછીથીતેને ૧૧,૧૧૯ કરોડ રૂપિયાની કંપનીમાં ફેરવી

(એજન્સી) નવી દિલ્હી, તા.૬ઘણાં સફળ…
Read more
Motivation

એક મહિલા જેણે નાના ગેરેજમાં માત્ર ૨ લાખ રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો, હવે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય ચલાવે છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૬ભારતના…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.