નોટબંધીની અસર : અબાલ-વૃદ્ધ સહિત સૌ પરેશાન
(યુસુફ મોદન) અમદાવાદ, તા.૧૩
છેલ્લા ૩પ દિવસથી સમગ્ર દેશમાં બેંકોમાં લાંબી લાઈનો છે જ્યારે મોટાભાગના એટીએમ ખાલીખમ છે ત્યારે ત્રસ્ત પ્રજાની હાલાકીથી કોણ વાકેફ નથી ? આ સ્થિતિને એક બાળ માનસે ખૂબ જ અદ્દભૂત રીતે પોતાની સર્જનાત્મકતાથી રજૂ કરી છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારના ૧ર વર્ષીય અયાન બંગલાવાલાએ એક એવું અનોખું એટીએમ બનાવ્યું છે જેમાં કાર્ડ નાંખતા જ પૈસા નીકળે છે. જે વર્તમાન સમયની દેશની સ્થિતિની બાલ માનસ પર થયેલી અસર સૂચવી જાય છે. આજે દેશમાં સર્વત્ર એટીએમમાં નાણાંની તંગી પ્રવર્તે છે. ત્યારે બાળકના એટીએમમાંથી જ્યારે ચાહો ત્યારે નાની નોટ કે સિક્કા કાઢી શકો છો. છેલ્લા એકાદ મહિનાથી એટીએમમાં નાણાં ન હોવાની ફરિયાદો છે. ત્યારે અમદાવાદના વિચારવંત બાળક અયાને પોતાની રીતે એટીએમનું નિર્માણ કરી શાળાના શિક્ષકો તથા માતા-પિતા અને પરિવારજનો આશ્ચર્યમાં ગરકાવ કર્યા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં નવગજાપીરની દરગાહ નજીક રહેતા અયાન ફિરોઝભાઈ બંગલાવાલા (ઉ.વ.૧ર) જે દિવાન બલ્લુભાઈ પ્રા.શા.માં ધો.૮માં અભ્યાસ કરે છે જેણે પુંઠાથી એટીએમ મશીન બનાવ્યું છે. જેમાં રૂા.૧૦, ર૦, પ૦ અને ૧૦૦ રૂા. ખાના તથા બાજુમાં સિક્કાઓનું ખાનું બનાવ્યું છે. જેમાં અગાઉ નાણાં નાંખવા પડે છે. જે ખાનામાંથી રૂપિયા કાઢવા માટે તેણે પુંઠાનું એટીએમ કાર્ડ બનાવ્યું છે. જે ખાનામાં નાંખતા જ નોટો બહાર નીકળે છે. એ જ પ્રમાણે સિક્કા પણ પુંઠાનું કાર્ડ નાંખ્યા બાદ જ નીકળે છે. અયાનની આ કૃતિએ શાળામાં તથા પરિવારજનો અને આસપાસના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ એટીએમમાં નાંખેલ પૈસા કટોકટીના સમયે કામ પણ આવી શકે છે. જો રોજ તેમાં પૈસા નાંખો તો માતા-પિતાની ગેરહાજરીમાં તાત્કાલિક જરૂર પડે તો તેમાં કાર્ડ નાંખી પૈસા કાઢીને ઉપયોગમાં લઈ શકાય છે. જો કે નોટબંધીને કારણે જે હાલાકી ઊભી થઈ છે તેનાથી અબાલ-વૃદ્ધ સૌ કોઈ વાકેફ છે. અયાનના એટીએમમાંથી તો જ્યારે કાર્ડ નાંખો ત્યારે પૈસા નીકળે છે પણ સરકારના એટીએમમાંથી જ્યારે જોઈએ ત્યારે પૈસા કયારે નીકળશે ?? તેવું અયાનની સર્જનાત્મક કૃતિ જોવા આવનાર દરેકના મોઢેથી અનાયાસે બોલાઈ જાય છે. જે ખરેખર તો દરેકના દિલની વાત છે. જોઈએ હવે આ વાત સરકારના દિલ સુધી કયારે પહોંચે છે ??