(એજન્સી) બૈરૂત, તા.૬
ગઈકાલે ઉત્તર ગાઝા વિસ્તારમાં ફરી એકવાર એકમાત્ર બચેલી કમલ અડવાન હોસ્પિટલ પર અને બેઇઝ અહીંયાના વિસ્થાપિત કેમ્પ ઉપર ઇઝરાયેલના હવાઈ આક્રમણને સખત રીતે વખોડી કાઢતા લડાકુ સંગઠન હમાસ દ્વારા એવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય સમાજ ઇઝરાયેલના અપરાધોને અટકાવી શક્યું નથી અને સદંતર નિષ્ફળ ગયું છે. ઇઝરાયેલ સામે યુદ્ધ કરી રહેલા લડાકુ સંગઠને જણાવ્યું હતું કે ઇઝરાયેલના અપરાધી લશ્કરી પગલા દર્શાવે છે કે આ યહુદી શાસનને આંતરરાષ્ટ્રીય નીતિ નિયમોની કોઈ પરવા નથી અને ઇઝરાયેલના સતત થઈ રહેલા ભયાનક અમાનવીય અપરાધોને રોકવામાં પણ આંતરરાષ્ટ્રીય સમાજ નિષ્ફળ રહ્યો છે. એક નિવેદનમાં હમાસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન અને તેના પૂર્વ સંરક્ષણ મંત્રી ગેલેન્ટ સામે આંતરરાષ્ટ્રીય અદાલતે ધરપકડના વોરંટ બહાર પાડ્યા છે છતાં એમની ધરપકડ કરવામાં આવી નથી. ઇઝરાયેલ વધુને વધુ લોકોને તેમના ઘરોમાંથી હાંકી કાઢીને એમને વિસ્થાપિત કરી રહ્યો છે અને અકલ્પનીય યુદ્ધ અપરાધો કરી રહ્યું છે અને આધુનિક માનવ ઇતિહાસનો સૌથી મોટો નરસંહાર કરી રહ્યું છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના સીધા સમર્થન અને પૂરેપૂરા રક્ષણ હેઠળ ઇઝરાયેલ તેના ભયાનક યુદ્ધ અપરાધોમાં આગળ વધી રહ્યું છે. પશ્ચિમી દેશો અને અમેરિકાના આવા સમર્થનને કારણે જ ઇઝરાયેલને આગળ વધવાની હિંમત આવી છે અને બેધડક રીતે ભયાનક સંહાર કરી રહ્યું છે. જેને આ પશ્ચિમે દેશો સામાન્ય ગણી રહ્યા છે. પેલેસ્ટીનની પ્રજાનું નિકંદન થતું બચાવી લેવા અને ગાઝાપટ્ટી પરનો ઘેરો ઉઠાવી લેવા માટે તાકીદના પગલા લેવા હમાસ સંગઠને આરબ અને ઈસ્લામી દેશો તથા યુનોને અપીલ કરી છે.