સંસ્કૃતિનું પારણું ગણાતું દારા શહેર ૨૦૧૧થી સીરિયામાં સિવિલ વોરનું મથક બન્યું છે અને આ શહેરમાં અસદનો વિરોધ કરી રહેલા અને દીવાલ ઉપર એવું લખાણ લખી રહેલા તરૂણોને પકડી પકડીને અટકાયત કરીને સરકારે અત્યાચાર કર્યો હોવાનો લડાકુઓએ આક્ષેપ કર્યો
(એજન્સી) દમાસ્કસ, તા.૭
સીરિયામાં વિપક્ષી લડાકુ જૂથોએ હામા શહેર પછી હવે સંસ્કૃતિનું પારણું ગણાતા દારા નામના શહેરનો પણ કબજો લઈ લીધો છે. આથી અસદ સરકાર ઝડપથી દેશ પરનો કબજો ગુમાવી રહી છે એવું લડાકુઓની સફળતા બાદ બહાર આવ્યું છે.
સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બસર અલ અસદના કબજામાંથી આ રીતે બળવાખોર લડાકુ જૂથોએ બે મોટા શહેર છીનવી લીધા છે. જે જે યુવાનો અને તરુણોએ દીવાલો પર અસદ વિરોધી લખાણો અને ચિત્રો કર્યા હતા એ તરુણોને પુરી પુરીને અને અટકાયતમાં લઈને ભારે અત્યાચારો ગુજારવામાં આવ્યા હોવાનો અસદ સરકાર પર બળવાખોરોએ આક્ષેપ કર્યો છે. એલેપ્પો અને હામા શહેરો બળવાખોરોએ કબજે લઈ લીધા છે અને હવે દારા શહેર પણ કબજે લઈ લીધું છે અને હવે આ વિસ્તારના ૯૦% ભાગ પર સશસ્ત્ર બળવાખોર જૂથોએ કબજો લઈ લીધો છે અને સીરિયાઈ સેના પાછી હટી ગઈ છે તેવું પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા બ્રિટનના નિરીક્ષકોએ જણાવ્યું હતું. જે નવું શહેર છે એ જોર્ડનની સરહદ પર આવેલું છે અને સંસ્કૃતિનું પારણું ગણાય છે ૨૦૧૧થી અહીં આંતરિક યુદ્ધની પરિસ્થિતિ છે અને અવારનવાર સામસામે હુમલા, હત્યાઓ તથા અથડામણોની ઘટનાઓ વર્ષોવર્ષ બનતી રહી છે. રાષ્ટ્રપ્રમુખ અસદ દ્વારા લોકશાહીવાદી દેખાવકારો પર આક્રમક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમા પાંચ લાખથી વધુ લોકો હિંસામાં મૃત્યુ પામ્યા છે અને લગભગ દેશની અડધી વસ્તી હિજરત કરી ગઈ છે. જોકે અગાઉ કદી પણ આટલી ઝડપથી આટલા બધા શહેરો સીરિયાના અસદના લશ્કરે ગુમાવ્યા નહોતા પણ આ વખતે ઝડપથી ત્રણ શહેરો ગુમાવી દીધા છે. બળવાખોરોનું નેતૃત્વ ઈસ્લામી હયાત તહેરીર અલસામ સંગઠન કરી રહ્યું છે. ઈસ્લામી સંગઠનના પ્રવક્તા અબુ મોહમ્મદે કહ્યું હતું કે અમારો હેતુ અને આક્રમણનો મૂળ હેતુ અસદ શાસનને ઉથલાવી દેવાનો છે એટલે આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે અમે અમારા પાસેની તમામ શક્તિઓ અને ઉપાયોનો ઉપયોગ કરીશું. આ સંગઠન અલ કાયદાની જ એક શાખા ગણાય છે. બળવાખોરના દબાણને કારણે પૂર્વ સીરિયાના કેટલાક વિસ્તારોમાંથી અસદની આર્મી અને ઈરાન સમર્થિત બળવાખોરો પાછા હટી ગયા છે અને બીજી તરફ કુર્દ દળોએ પણ દાવો કર્યો છે કે ખાલી વિસ્તારો પર અમે કબજો લઈ લીધો છે.