કમલ અદવાન સહિતની અનેક હોસ્પિટલોને ધરાશાયી કરવા બોમ્બમારો ચાલુ રખાયો હોવાની ગંભીર ફરિયાદ
(એજન્સી) ગાઝા, તા.૭
ગાઝામા નરસંહારની સાથે-સાથે આરોગ્ય ક્ષેત્રને ખતમ કરવા માટે ઇઝરાયેલ દ્વારા હોસ્પિટલો પર કરવામાં આવી રહેલા હુમલા અટકાવવા માટે તાકીદે દરમિયાનગીરી કરવા ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે.
મંત્રાલયના એક નિવેદનમાં આંતરરાષ્ટ્રીય સમાજ તેમજ માનવ અધિકાર જૂથો અને આરોગ્ય સંગઠનોને આગ્રહભરી અપીલ કરવામાં આવી છે અને કહ્યું છે કે રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ અને અન્ય સંગઠનોએ આરોગ્ય માળખા પર થઈ રહેલા ભયાનક આક્રમણ તથા આરોગ્ય કર્મચારીઓ, તબીબો, દર્દીઓ અને ઇજાગ્રસ્તો પર થઈ રહેલા હુમલાને રોકવા માટે તાત્કાલિક વિશ્વ સમાજે દરમિયાનગીરી કરવી જોઈએ. નિવેદનમાં ઉમેર્યું હતું કે વિશ્વની નજર સામે ઇઝરાયેલ હોસ્પિટલોને ફૂંકી મારે છે અને અંદર જે લોકો છે તેમને પણ ખતમ કરી રહ્યું છે. વિશ્વની નજર સામે આ બની રહ્યું છે.
નિવેદન જણાવે છે કે ઉત્તર ગાઝામાં આવેલી એકમાત્ર કમલ અદવાન હોસ્પિટલ ઇઝરાયેલ દ્વારા થઈ રહેલા યુદ્ધઅપરાધોનું નિશાન બની રહી છે અને અનેક પ્રકારે હિંસા આ ચરીને હોસ્પિટલોની ઉપર અને આસપાસ ભયાનક હુમલા કરીને તબીબી કર્મીઓ, સ્ટાફને તથા દર્દીઓને અને ઈજાગ્રસ્તોને મારવામાં આવી રહ્યા છે. અત્યારે ગાઝામા ૩૬માંથી માત્ર ૧૭ હોસ્પિટલ ચાલુ છે અને તેમાં પણ દવાઓ નથી અને મેડિકલના સાધનો-સંરજામ નથી તેમજ બળતણ પણ નથી. શુક્રવારે ઇઝરાયેલનું લશ્કર કમલ અદવાન હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને મેડિકલ સ્ટાફમાંથી ઘણા બધા લોકોની અને દર્દીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાય કલાકો સુધી આ કામગીરી ચાલી હતી. બીજા કેટલાક તબીબી સ્ટાફને તગેડી મૂકવામાં આવ્યા હતા. ઈન્ડોનેશિયાની તબીબી ટુકડીને હોસ્પિટલમાંથી હાંકી કાઢવામાં આવી હતી અને એમને વિસ્તાર છોડી દેવાનો ઇઝરાયેલના લશ્કરે આદેશ આપ્યો હતો. સમગ્ર ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇઝરાયેલે એ શરૂ કરેલા હુમલા બાદ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ૪૪,૬૦૦ જેટલા નાગરિકોનાં મોત થયા છે જેમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે જ્યારે એક લાખથી વધુ લોકો ઘાયલ થયા છે.