(એજન્સી) ઈન્દોર, તા.૯
ઉચ્ચ જાતિના માણસો દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક દલિત મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેના પતિ સહિત તેના પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી અભિષેક આનંદે જણાવ્યું હતું કે સરકારી જમીન પર ઢોર બાંધવાના વિવાદને કારણે હુમલો થયો હોવાનું જણાય છે. હથિયારો, તલવારો અને લાકડીઓ સાથે સજ્જ ૨૦ લોકો પાંચ વાહનોમાં આવ્યા અને દલિત પરિવારને જમીનનો ઉપયોગ ગાયોને બાંધવા માટે ન કરવાની ધમકી આપી. પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે, ટોળાએ દલિતો પર ગોળીબાર શરૂ કર્યો. સુગનાબાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેના પતિને પણ ગોળી વાગી હતી અને તેને મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. અન્ય બે પીડિતોને નજીકની ગારોથની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બલરામ અને તેમના પુત્ર સુખદેવે નરેન્દ્ર સિંહ અને તેમના સહયોગીઓ પર હુમલાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો. રોષે ભરાયેલા દલિત સમુદાયના સભ્યોએ સુગનાબાઈના મૃતદેહને રસ્તા પર મૂકીને વિરોધ કર્યો હતો અને હુમલાખોરોની ધરપકડની માંગ કરી હતી.