(એજન્સી) તા.૧૨
ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાયતા જહાજની સુરક્ષા કરતા પેલેસ્ટીની સુરક્ષા રક્ષકો પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકો મૃત્યુ પામ્યા અને ડઝનેક ઘાયલ થયા હતા. ડોકટરો અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ગુરૂવારે ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા ૩૦ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. આ હુમલામાં યુદ્ધગ્રસ્ત પ્રદેશના દક્ષિણ ભાગમાં સહાય કાફલાની સુરક્ષા માટે તૈનાત નાગરિક સંરક્ષણ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગાઝામાં સ્થાનિક પેલેસ્ટીની મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી એક વિડિયો ક્લિપમાં એક શબઘરમાં સંખ્યાબંધ મૃતદેહો દર્શાવવામાં આવ્યા છે, જે ખાન યુનુસની પશ્ચિમમાં નિશાન બનાવવામાં આવેલા સહાય કાફલાની સુરક્ષા કરતા રક્ષકોના હોવાનું માનવામાં આવે છે. આ હુમલો માનવતાવાદી સહાય કામદારો, કાફલાઓ અને યુદ્ધગ્રસ્ત ગાઝામાં ખોરાક અને અન્ય પુરવઠાના સલામત પ્રવેશમાં મદદ કરવાનો પ્રયાસ કરનારાઓ પર ઇઝરાયેલી દળો દ્વારા થયેલો તાજેતરનો હુમલો છે. ગાઝા હાલમાં ઉત્તરીય વિસ્તારમાં ખોરાકની અછત અને દુષ્કાળના ભયથી પીડાય છે, જ્યાં ઇઝરાયેલી લશ્કરી ભૂમિ અભિયાન અને ઘેરાબંધી કેટલાંક અઠવાડિયાથી ચાલુ છે. રવિવારની રાત્રે, રાફાહ (જે ગાઝા પટ્ટીની દક્ષિણે છે) પર ઇઝરાયેલના હુમલામાં લોટ ખરીદવા માટે લાઇનમાં ઉભેલા ઓછામાં ઓછા ૧૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા. ઇઝરાયેલી સૈન્યએ હજુ સુધી સહાય પુરવઠાના શિપમેન્ટનું રક્ષણ કરતા રક્ષકો પરના તાજેતરના હુમલા અંગે ટિપ્પણી કરી નથી.