(એજન્સી) તા.૧૫
કતારના વિદેશ મંત્રાલયે શુક્રવારે મધ્ય ગાઝા પટ્ટીમાં નુસરત શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલી દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ‘જઘન્ય હત્યાકાંડ’ની સખત ટીકા કરી છે, જેમાં ડઝનેક પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે. ગાઝાના સ્થાનિક સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગુરૂવારે રાત્રે નુસરતને નિશાન બનાવતા ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૪૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા અને ૮૪ અન્ય ઘાયલ થયા છે. એક નિવેદનમાં, ગલ્ફ દેશના વિદેશ મંત્રાલયે ઇઝરાયેલના ઘાતક હવાઈ હુમલાની સખત ટીકા કરી અને ‘પેલેસ્ટીની લોકોને તેમના ક્રૂર અને પુનરાવર્તિત ગુનાઓને પગલે તેમને સુરક્ષા પ્રદાન કરવા માટે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો.’ નિવેદનમાં ‘ગાઝા પર ઇઝરાયેલના આક્રમણને તાત્કાલિક સમાપ્ત કરવાની, વધુ નિર્દોષ અને અસહાય જીવનના નુકસાનને ટાળવા અને આ ક્ષેત્રમાં હિંસાના ચક્રના વિસ્તરણને રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને મજબૂત કરવાની જરૂર છે.’ ઇઝરાયેલે ૭ ઓકટોબર, ૨૦૨૩થી ગાઝા પટ્ટી પર નરસંહાર યુદ્ધ ચલાવ્યું છે, જેમાં લગભગ ૪૪,૯૦૦ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ગયા મહિને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ વિરૂદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ગાઝા પરના યુદ્ધને કારણે ઈઝરાયેલ પણ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો સામનો કરી રહ્યું છે.