શહેરના જૈતુન વિસ્તારમાં એક મકાન પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં પાંચનાં મોત થયા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા જ્યારે મધ્ય ગાઝામાં નુસેરત કેમ્પ ખાતે ઇઝરાયેલી હુમલામાં પાંચ પત્રકારો માર્યા ગયા હતા
(એજન્સી) ગાઝા, તા.૨૭
ગાઝા ઉપર ઇઝરાયેલ દ્વારા સતત હવાઈ હુમલા ચાલુ રહ્યા છે અને ગુરૂવારે આવા વધુ એક હવાઈ હુમલામાં ૧૦ જેટલા નિર્દોષ પેલેસ્ટીન નાગરિકોનાં મૃત્યુ થયા હોવાનું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું ગાઝા આરોગ્ય વિભાગના અધિકારીઓએ જાહેર કર્યું હતું.
આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ ગાઝા શહેરના જૈતુન વિસ્તારમાં ઇઝરાયેલી હવાઈ હુમલાથી પાંચ લોકોનાં મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા અને હજુ બિલ્ડિંગની કાટમાળની હેઠળ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે તેથી મૃત્યુઆંક વધી શકે છે. એ જ પ્રકારે નુસરત વિસ્તારમાં અલ અવદા હોસ્પિટલ વિસ્તારમાં એક વાહન પર ઇઝરાયેલના બોમ્બમારાથી પાંચ પત્રકારો શહીદ થઈ ગયા હતા તેમ એક ટેલિવિઝન ચેનલે જાહેર કર્યું હતું. આ વાહન પર મીડિયા વાન લખેલું હતું અને પત્રકારો હોસ્પિટલની અંદરથી તથા નુસરત કેમ્પમાંથી યુદ્ધની પરિસ્થિતિ વિશે અહેવાલ લેખન કરી રહ્યા હતા ત્યારે એમના વાહનને નિશાન બનાવીને બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ તરફથી તાકીદે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.