નડિયાદ, તા.૩
ખેડા તાલુકાના વાંટડી ગામની સીમમાં અમદાવાદ શાહઆલમના ઈસમે જમીન ખરીદી મકાન બનાવ્યું છે. આ મકાન ખાલી કરાવવા પાંચ જેટલા ઈસમોએ ઘૂસી જઈ મકાન માલિક સાથે ઝપાઝપી કરી રોકડ તેમજ સોના-દાગીના મળી કુલ રૂા.૩.૧પ લાખની લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર અમદાવાદ શાહઆલમ ટોલનાકા પાસે આવેલ કિર્તીકુંજ સોસાયટીમાં રહેતા ઈબ્રાહીમભાઈ નુરમહંમદ મેમણે વર્ષ-ર૦૧પમાં રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાણા પાસેથી વાંટડી ગામની સીમમાં ર૪૦૦ મીટર જમીન ખરીદી હતી. આ જમીનમાં તેમણે મકાનનું બાંધકામ, કરેલ છે. જેમાં તેઓ તેમની પત્ની ઝુબેદાબેન તથા તેમની માતા ખતીજાબેન સાથે બે વર્ષથી રહે છે. ગતરોજ સાંજે તેઓ ઘરે હતા ત્યારે સાંજના સુમારે જયદિપસિંહ તેમના મકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, રાજુભાઈ રાણાએ કહેવડાયેલ છે કે આ જમીન તમને આપવાની નથી. આજરાતના તમો તમારું ઘર ખાલી કરી અહીંથી જતા રહેજો નહીં તો સવારે આવી તમોને તથા તમારા સામાન સહિત બહાર ફેંકી દઈશું તેથી ધમકીઓ આપી જતો રહ્યો હતો.
આજરોજ સવારે ૮ઃ૪પ વાગે તેઓ તથા પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે તેઓએ જેની પાસેથી જમીન રાખી હતી તે ઠાકોર પ્રતાપસિંહ રાણા, જનકસિંહ દિલીપસિંહ રાણા તથા કિરણ જે. ઠાકોરભાઈના જમાઈ થાય છે તે તથા જયદિપસિંહ તમામ રહે. હરિયાણા જેઓ આઠથી દશ માણસો લઈને આવેલ ત્યારે ઈબ્રાહીમભાઈ મકાનમાં સૂતેલ હતા. તે વેળા જયદિપસિંહે તેમના બન્ને પગો ખેંચી ખાટલા પરથી નીચે પાડી તેમનો મોબાઈલ ફોન વગેરે લઈ લીધેલ તથા અન્ય માણસોએ મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. બૂમાબૂમ થતાં તેમની પત્ની તથા માતા ભાગી ગયેલ જેથી જયદિપસિંહે તેમની પત્નીને ધક્કો મારી મોબાઈલ ફોન તથા તેનું પર્સ લઈ લીધું હતું જે તેની સાથેના એક માણસને આપી દીધેલ જે મોબાઈલ-પર્સ લઈને જતો રહ્યો હતો. આ શખ્સોએ તેમના મકાનમાં રહેલ ટીવી, ફ્રિજ, માટલા તથા ઘરની બહાર મૂકેલ કાર નં.જી.જે.ર૭ જી-૭૮ર૪ની આગળનો કાચ તોડી નાંખેલ. તથા ઘરમાં મૂકેલ પલંગ ખુરશી વગેરે સરસામાન બહાર ફેંકી દીધેલ અને ઠાકોરસિંહ પ્રતાપસિંહ વીડિયોગ્રાફર સાથે લઈને આવેલ જેણે આ બનાવની અમુક વીડિયોગ્રાફી ઉતારી હતી. ત્યારબાદ ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાણા તથા અન્ય બે જણા તેમને ત્યાં બેસી રહેલા જે પૈકી કિરણભાઈ તેઓના તથા તેમના પરિવારને અહીંથી નીકળી જાવ નહીં તો તેમને જાનથી મારી નાંખીશું તેવી ધાકધમકીઓ આપતો હતો.
ત્યારબાદ તેમના પુત્ર સાબીરને ફોન કરતાં તે ત્યાં આવી પહોંચતા તેને પણ આ લોકોએ ધાકધમકી આપતા તેમણે ૧૦૦ નંબર પર ફોન કરતા પોલીસ આવી પહોંચતા તેમણે પત્ની ઝુબેદાબેનના પર્સમાં રોકડા રૂપિયા ૬પ૦૦૦, સોનાની ચાર બંગડીઓ તથા એક વીંટી હતી. જેની કિંમત રૂા.ર.પ૦ લાખ સાથે ૩.૧પ લાખની લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા ખેડા ટાઉન પોલીસે રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાણા, ઠાકોરભાઈ પ્રતાપભાઈ રાણા, જનકભાઈ દિલીપસિંહ રાણા, કિરણ જે. ઠાકોરભાઈનો જમાઈ તેમજ જયદિપસિંહ રાણા તમામ મોલેસલામ મુસલમાન (રહે. હરિયાણા તા.ખેડા) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.