અમદાવાદ,તા. ૩
ગ્રાહકોના અસલી એટીએમ કાર્ડ અને ક્રેડિટકાર્ડના ડેટા કોપી કરી તેના મારફતે બનાવટી એટીએમ કાર્ડ બનાવી તેના દ્વારા પૈસા ઉપાડી લેતી એક ગેંગનો શહેર ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ મહત્વની સફળતામાં બનાવટી એટીએમ કાર્ડ મારફતે પૈસા ચોરતી ગેંગના આરોપી પૃથ્વીવલ્લભ જીવારામ મથુરિયા સહિત પાંચ સાગરિતોને ઝડપી લઇ તેઓની પાસેથી બનાવટી એટીએમ કાર્ડ, સ્કેમર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીઓએ અત્યારસુધીમાં ૧૫૯ બનાવટી એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લીધા હતા. આરોપીઓ પાસેથી સાતથી આઠ બેંકોનો ડેટા પણ મળી આવ્યો છે. શહેર ક્રાઇમબ્રાંચના સાયબર સેલને ગંભીર ફરિયાદ મળી હતી કે, નિર્દોષ નાગરિકો-ગ્રાહકોની વિવિધ બેંકોના એટીએમ કાર્ડ સહિતનો ડેટા ચોરી તેના આધારે બનાવટી એટીએમ કાર્ડ બનાવી તેના મારફતે તેમના ખાતામાંથી બારોબાર પૈસા ઉપડી જાય છે, જેથી ક્રાઇમબ્રાંચે આ દિશામાં નક્કર તપાસ આરંભી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઉત્તરપ્રદેશના આરોપીઓ અમદાવાદ શહેરમાં રોકાઇ આ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. જેથી ક્રાઇમબ્રાંચના સાયબર સેલના અધિકારીઓએ આરોપી પૃથ્વીવલ્લભ જીવારામ મથુરિયા(રહે. ઉત્સવ પોદારના મકાનમાં, રેલ્વે ક્રોસીંગ પાસે, વાડજ, નારણપુરા-મૂળ રહે. ખવાસપુરા, જગનેર રોડ, આગ્રા, ઉત્તરપ્રદેશ), સંદીપકુમાર ઉર્ફે સન્ની સુંદરભાઇ ઠાકુર(રહે.ગોકુલધામ સોસાયટી, આઇઓસી રોડ, ચાંદખેડા-મૂળ રહે.ભરતપુર ગામ, રાજસ્થાન), આકાશ મનોજભાઇ શ્રીમાળી(રહે.બુખારાની પોળ, હલીમની ખડકી, શાહપુર), શિવમ ભરતભાઇ વાઘેલા (રહે. કૃપાસાગર સોસાયટી, આઇઓસી રોડ, ચાંદખેડા) અને વિનય મહેશભાઇ ભાવસાર(રહે. વડી કોટડીની પોળ, હલીમની ખડકી, શાહપુર) એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૧૮ જેટલા એટીએમ કાર્ડ-ક્રેડિટ કાર્ડ, બે હાર્ડડિસ્ક, પાંચ મોબાઇલ ફોન, સ્કેમર મશીન, તેની ત્રણ સીડી, રૂ.આઠ હજાર રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીઓ સ્કેમર મશીન દ્વારા એટીએમનો ઉપયોગ કરતા હતા, તેઓ ગ્રાહકોનો ડેટા કોપી કરી લેતા અને બાદમાં બનાવટી એટીએમ કાર્ડની મદદથી પૈસા ઉપાડી લેતા હતા. અત્યારસુધીમાં આરોપીઓએ આવા ૧૫૯ જેટલા બનાવટી એટીએમ કાર્ડ મારફતે જુદી જુદી બેંકોમાંથી ગ્રાહકોના પૈસા ઉપાડી લીધા હતા.
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી કેવી હતી ?
આરોપીઓ સ્કેમર મશીનનો ઉપયોગ કરી શહેરના પેટ્રોલપંપ, મોલ્સ તથા અન્ય દુકાનોમાં જયારે કોઇ ગ્રાહક પોતાનું બીલ ચૂકવવા કેશીયર પાસે જાય ત્યારે ગ્રાહકનું એટીએમ, ક્રેડિટ કે ડેબીટ કાર્ડ યેનકેન પ્રકારે સ્કેમર મશીનમાં સ્વાઇપ કરી ડેટા ચોરી લેતા હતા અને ગ્રાહકનું ધ્યાન ના હોય તે રીતે આરોપીઓનો જ એક માણસ તે પીન નંબર ટાઇપ કરે ત્યારે તેની પર નજર રાખી ચોરી લેતા હતા. ત્યારબાદ આ ડેટા કોમ્પ્યુટર પર અપલોડ કરી તેના મારફતે બનાવટી કાર્ડ બનાવી રાત્રિના સમયે એટીએમ સેન્ટરમાંથી ગ્રાહકના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેતા હતા.