(એજન્સી) મુંબઈ, તા.૪
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં ખેતરમાં કિટનાશક દવાના છંટકાવ દરમિયાન છેલ્લા બે માસમાં ૧૮ જેટલા ખેતમજૂરોના મોત થયા છે. કિટનાશકની ઝેરી અસરથી બીમાર પડનાર ૭૦૦ ખેડૂતોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જેમાં રપ ખેડૂતોની આંખોને ગંભીર અસર પડી છે. આ અંગે તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ બનાવી છે. મૃતકોના પરિવારોને ર-ર લાખની મદદની પણ સરકારે તાત્કાલિક રાહતરૂપે જાહેરાત કરી છે. યવતમાલ જિલ્લામાં ૯ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ચીનના સ્પ્રે પંપનો ઉપયોગ ખેડૂતોએ મોટાપાયે કર્યો હતો. જેનાથી વધુ માત્રામાં કિટનાશક દવાનો છંટકાવ થાય છે. દવા છાંટનાર ખેતમજૂરોએ દવા છાંટવાના સમયે માસ્ક પહેર્યો હતો. જેથી દવાની અસર શરીરમાં ફેલાઈ ગઈ. ખેતમજૂરોને કિટનાશક સ્પ્રે માટે બીજ કંપનીઓ કે સરકારે યોગ્ય માર્ગદર્શન આપ્યું નહીં.