(એજન્સી) ઔરંગાબાદ, તા.૪
ઔરંગાબાદની સ્પેશિયલ સેશન્સ કોર્ટે સોમવારે ચુકાદો સંભળાવતા ચાર મુસ્લિમ યુવકોને આતંકવાદના આરોપોમાંથી મુક્ત કર્યા છે. શેખર ખિલજી, અબરાર શેખ, ઝફર કુરેશી અને અનવર ખત્રીની ર૬મી માર્ચ ર૦૧રના રોજ હિમાયત બૉઘ એન્કાઉન્ટર મામલે ધરપડક કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર એ.ટી.એસ. દ્વારા ઘટના સ્થળે અઝહર ખત્રીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ યુવકો વિરૂદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ ૧૯૬૭ (યુએપીએ) આઈપીસી કલમ ૩૦૭, ૩પ૩ અને ૩૪ તેમજ શસ્ત્ર અધિનિયમની કલમ ૩ અને રપ અંતર્ગત ઔરંગાબાદની સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. માર્ચ ર૦૧૭માં આરોપીઓની માંગને ધ્યાનમાં રાખી જમિયત-એ-મહારાષ્ટ્રએ આ કેસ હાથમાં લીધો હતો. ત્યારબાદ ન્યાયધીશ વી.વી.પાટિલે આ કેસમાં ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી. સોમવારે આવેલા ચુકાદામાં તમામ ચાર આરોપીઓને યુએપીએ અંતર્ગત લાગેલા આરોપોમાંથી મુક્તિ મળી છે. તેમજ શેખર ખિલજી અને અબરાર શેખને આઈપીસીની કલમ ૩૦૭ અંતર્ગત જ દોષી કરાર આપવામાં આવ્યો છે. જમિયત ઉલમા-એ-મહારાષ્ટ્રએ આ ચુકાદા પર પ્રસન્નતા વ્યક્ત કરતા એ આશા કરી હતી કે બાકી બે યુવકોને પણ દોષમુક્ત કરવામાં આવશે. જમિયત ઉલમા-એ-મહારાષ્ટ્રના ચીફ હાફિઝ નદીમ સિદ્દીકીએ કહ્યું કે આ સમુદાય માટે મોટી સફળતા છે કે તમામ આરોપીઓને આતંકવાદના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. ફરી એક વાર સાબિત થયું છે કે અમારૂં સંગઠન નિર્દોષો માટે લડી રહ્યું છે. આ ચાર યુવકો વિરૂદ્ધ ર૦૦૮માં અમદાવાદ બોમ્બ વિસ્ફોટ મામલે કેસ ચાલી રહ્યો હતો. સૂત્રોના આધારે, મહારાષ્ટ્ર એ.ટી.એસ. દ્વારા ર૦૧રમાં ઔરંગાબાદના હિમાયત બૉઘ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એ.ટી.એસ.એ એક આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું. આ મામલે સી.આઈ.ડી. તપાસ કરવામાં આવી હતી.