નવી દિલ્હી, તા. ૪
અર્થતંત્ર નબળું પડવા અને બેરોજગારી વધવા મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ નોટબંધીને આત્મહત્યા સાથે સરખાવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, નોટબંધી એટલી મોટી મની લોન્ડ્રિંગની યોજના હતી જેમાં મોટા પ્રમાણમાં કાળા નાણાને સફેદ કરાયું હતું. શૌરીએજણાવ્યું કે, આ વાતનો ખુલાસો આરબીઆઇ ગવર્નરે પણ કર્યો છે. ઉર્જિત પટેલે કહ્યું હતું કે, નોટબંધીને કારણે ૯૯ ટકા પ્રતિબંધિત નોટો પરત આવી ગઇ છે જ્યારે નોટબંધી કરાઇ ત્યારે એવું કહેવાતું હતું કે, આ પગલાંથી ટેક્સ અને કાળુ નાણું પરત આવશે. તેમણે મોદી સરકારને અઢી વ્યક્તિની સરકાર ગણાવી હતી.
અરૂણ શૌરીએ કહ્યું કે, આ અચરજ પમાડે તેવી સરકાર છે. વડાપ્રધાનને એક દિવસ પ્રકટીકરણ થયું કે, નોટબંધી કરવી જોઇએ અને તેઓ કરી શકે છે. જોકે, તે કોઇપણ સંજોગોમાં સાહસિક પગલું હતું. હું યાદ અપાવવા માગું છું કે, આત્મહત્યા પણ સાહસિક પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે આઠમી નવેમ્બરના રોજ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બંધ કરવાની જાહેેરાત કરી હતી. અરૂણ શૌરીએ જણાવ્યંુ હતું કે, નોટબંધી સમયે સરકારે કરેલી કઇ દલીલ આજે બચી છે. કાળુ નાણું, શું સફેદ થઇ ગયું. આતંકવાદ, આતંકવાદીઓ હજુ પણ ભારતમાં આવી રહ્યા છે. અંતે તેઓ હવે કાંઇ પણ કહી શકતા નથી. તેમણે ભાજપના અધ્યક્ષ અમિત શાહની એ દલીલ સામે પણ કટાક્ષ કર્યો હતો જેમાં શાહે કહ્યું હતું કે, હાલની ધીમી ગતિ ટેકનિકલ કારણોને લીધે છે, ત્યારે શૌરીએ કહ્યું કે, તેઓ જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે એમ પણ કહ્યું કે, જે લોકો સરકાર ચલાવી રહ્યા છે તેઓ કોઇ સલાહ કે હકીકતને સાંભળતા જ નથી. શૌરીએ કહ્યું કે, જીએસટીને ઉતાવળે લાગુ કરવામાં આવ્યું, હવે કલ્પના કરો કે, ટેક્ષ સુધારાની સરખામણી સ્વતંત્રતા સાથે કરવામાં આવી રહી છે. જીએસટીના માળખામાં ઘણી બધી ખામીઓ હતી તેમ છતાં તેને લાગુ કરવામાં આવ્યું. તેની સીધી અસર નાના ઉદ્યોગો પર પડી અને ઉત્પાદનોના વેચાણમાં ભારે ઘટાડો થયો.