(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૪
મધ્યપ્રદેશના એક દર્દીનું બોડેલી ખાનગી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તે વેળા દર્દીના સગા-સંબંધીઓએ મૃતદેહનો કબજો લઈ બાદમાં મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ જાંબુઆ – વડોદરા હાઈવે પર ચક્કાજામ કરી ટ્રાફિકને બાનમાં લેતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફરિયાદ નોંધાવાની વાત કરી મામલો થાળે પાડ્યો હતો.
મધ્યપ્રદેશના કઠીવાડા ગામ નજીક ડુંગર ગામે રહેતા નાહીરીયાભાઈ દબરીયા લુહારીયા નામના ઈસમને પેટમાં દર્દ થતું હોવાથી સારવાર માટે અલીરાજપુર ખાતે આવેલ સંગમ હોસ્પિટલમાં લવાયો હતો તેને વધુ સારવાર અને ઓપરેશન માટે બોડેલી સંગમ હોસ્પિટલમાં લવાયો હતો. ચાર-પાંચ દિવસ દર્દીને સારવાર આપી તેનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ દર્દીએ દમ તોડી દીધો હતો. ત્યારબાદ સગા-સંબંધીઓ કાગળની કાર્યવાહી કરી મૃતદેહનો કબજો લઈ ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાને બદલે દર્દીના સગાઓ મૃતદેહને અલીરાજપુર સંગમ હોસ્પિટલ પાસે લઈ જઈ જાંબુઆ-વડોદરા સ્ટેટ હાઈવે પર મોટી સંખ્યામાં દર્દીના સગાઓ ભેગા થઈ મૃતદેહને ગાડીમાં રાખી રોડ પર ચક્કાજામ કરી દવાખાના પર આક્ષેપ કર્યો હતો કે, દર્દીના અંદરના અંગ ઓપરેશન દરમ્યાન કાઢી લેવાયા છે માર્ગ ચક્કાજામ થતાં તંત્રવાહકોએ સ્થળ પર દોડી આવી સગા-સંબંધીઓને આશ્વાસન આપી પોસ્ટમોર્ટમ અને ફરિયાદ નોંધાવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો.
આ અંગે હોસ્પિટલના ઈન્ચાર્જને પૂછતાં કહ્યું હતું કે, ‘આ આક્ષેપો બે બુનિયાદ છે અને અમારી પાસે તે અંગે આધારો પણ છે.