અમદાવાદ, તા.૪
આજના સમયમાં ઘરનુ ઘર મેળવવાનુ અને તે પણ સસ્તામા કોને પસંદ ન હોય આમ છતાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામા આવેલા સસ્તા આવાસોમા મકાન અપાવવાની લાલચ આપીને શહેરના અનેક વિસ્તારોમાંથી લોકોની પાસેથી મ્યુનિ.ના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરી રૂપિયા ૬૫,૦૦૦ની મોટી રકમ સેરવી લેવામાં આવ્યા બાદ પણ મકાન ન મળતા ૧૮ જેટલા લોકો દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે પોલીસ ફરીયાદ કરવામા આવી હોવાછતાં આજદિન સુધી પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.આ અંગે મળતી વિગતો અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામા આવી રહેલા સસ્તા આવાસોમાં મકાન અપાવવાની લાલચ વિવિધ લોકોને આપીને શહેરના માધુપુરા, દુધેશ્વર, શાહપુર, બાપુનગર, વાડજ, રામોલ, સૈયદવાડી જેવા વિસ્તારોમાંથી લાભાર્થીઓ પાસેથી પ્રથમ હપ્તામા તમારે ૬૫,૦૦૦ રૂપિયા આપવા પડશે એમ કહીને રકમ લીધા બાદ તે અંગેની પહોંચ પણ રેવન્યુ સ્ટેમ્પ ઉપર આપવામા આવી હતી ઉપરાંત આ પહોંચ ઉપર એએમસીના સિક્કા મારી પહોંચ આપવામા આવી હતી.રૂપિયા ૬૫,૦૦૦ લાંચ પેટે ગણી તેની પહોંચ આપવામા આવી ન હતી. દરેક પાસેથી રૂપિયા ૨.૨૦ લાખની રકમ સેરવી લેવાઈ છે. અમદાવાદના આ તમામ વિસ્તારોમા વસવાટ કરતા શ્રમજીવી પરીવારોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાતા આવાસોમા સસ્તા આવાસ અપાવવાની લાલચ આપી ગત દિવાળીના સમયથી કરોડો રૂપિયાની છેતરપિંડીનુ કૌભાંડ આચરવાની શરૂઆત કરવામા આવી હતી.આ કૌભાંડમા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને એક એસ્ટેટ ઈન્સપેકટરની પણ સંડોવણી હોવાનુ પ્રાથમિક તારણ બહાર આવવા પામ્યુ છે.બીજી તરફ રૂપિયા આપનારાઓને શંકા જતા ૧૮ લોકોએ પોલીસ ફરીયાદ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમા કરી હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે આમછતાં પોલીસ તરફથી આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામા આવી નથી.