અમદાવાદ, તા.૪
રેલવે બચાવ વિષય પર એક ધારણાનો કાર્યક્રમ ગુજરાત મજદૂર પંચાયત અને સોશિયલ પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે ૩ ઓક્ટોબરે રાખવામાં આવ્યો હતો.
જેમાં મુખ્યત્વે સરકાર દ્વારા સર્જન કરેલા એકમોનું થઈ રહેલ ખાનગીકરણ ખાસ કરીને રેલવેમાં શરૂ થયેલ ખાનગીકરણ ખતરાની ઘંટી છે. જો લોકોમાં આની વિરૂદ્ધ જાગૃતિ નહિ આવે તો એક એક કરીને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે બધા જ એકમોનું ખાનગીકરણ થઈ જશે આનો સૌથી વધારે નુકસાન જનતાને જ થવાનો છે. આ અંગે સોશિયલ પાર્ટીના પ્રમુખ કૌસરઅલી સૈયદે કહ્યું હતું કે જનતાના પ્રાણ પ્રશ્નોના જેવા કે રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ પર ધ્યાન દેવાના બદલે આ સરકાર એક પછી એક પોતાના ફરમાનો જનતા ઉપર ઠોકી બેસાડે છે. આજે નાના અને માધ્યમ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, નોકરિયાતો, ખેડૂતો, કામદારો, ગૃહિણીઓ મંદીના કારણે ત્રાહિમામ છે અને આ ગુજરાતની બેજવાબદાર સરકાર ઉત્સવો, તાયફાઓ અને યાત્રાઓમાં જનતાના પૈસે જલસા કરી રહી છે. ખાસ કરીને હાલમાં થયેલ બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત. બુલેટ ટ્રેન એ ભારતની જનતા સાથે થઈ રહેલો ગાંડો મજાક છે. જનતાને સારી ટ્રેનની સગવડો નથી અવારનવાર રોજ ટ્રેન અકસ્માતો થઈ રહ્યા છે. તેને દુરસ્ત કરવાની જગ્યાએ જનતાને મુરખ બનાવી બુલેટ ટ્રેનની આડમાં ભ્રષ્ટાચાર કરી જનતાને લુંટવાનો ષડ્યંત્ર રચવામાં આવી રહ્યો છે.
અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પડતું મૂકીને એટલે જ રૂપિયામાં આખા રેલવેની કાયાપલટ કરી ગરીબ જનતાને સારી રેલસેવા પૂરી પાડે અને જો સરકાર આ ફરમાનને પાછો નહિ ખેંચે તો આખા દેશમાં એક આંદોલનની શરૂઆત અમે ગુજરાતથી કરીશું.
જયંતિ પંચાલ ગુજરાત મજદૂર પંચાયતે કહ્યું છે કે રેલવેમાં ખાલી પડેલ જગ્યાઓ નથી ભરવા આવતી એના કારણે અકસ્માતોની હારમાળાઓ સર્જાઈ રહી છે છતાં આ સરકાર સૂઈ રહી છે અને કોઈ પ્રકારની નૈતિક જવાબદારી નથી લઈ રહી. સરકારને ફક્તને ફક્ત ખાનગીકરણ જ કરવા માગે છે.