(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવો ઘટ્યા છતાં ભારતમાં ઊંચા ટેક્ષને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા ભાવે મળી રહ્યું છે. પરિણામે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આથી પ્રજાની વેદનાને વાચા આપવા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે ૧૦ કલાકે રાયપુર દરવાજાથી મોંઘવારી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એઆઈસીસીના મહામંત્રી દીપક બાબરિયાએ મોંઘવારી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ મોંઘવારી રથ યાત્રાની શરૂઆત કરતા અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલે જણાવેલ કે, મોંઘવારીમાં સતત વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ હવે ગાંડો થયો છે એ સૂત્ર પ્રજા દ્વારા પ્રસ્થાપિત કરેલ છે ત્યારે મોંઘવારી બાબતની જનવેદનાને ઉજાગર કરવા આ મોંઘવારી રથનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કો-ઓર્ડિનેટર રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું સરકારના અભ્યાસ વગરના નિર્ણયો જીએસટી-નોટબંધી અને ભ્રષ્ટાચારથી મોંઘવારી અસહ્ય બની છે. એઆઈસીસીના મહામંત્રી દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ મોંઘું થયું છે. જેથી વાલીઓ પીડાઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન મોઘું થતાં દરેક જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો બેફામ વધી રહ્યા છે ત્યારે સામાન્ય માણસનું જીવન બદતર થઈ ગયું છે. ઉપરોક્ત યાત્રા રાયપુર દરવાજાથી શરૂ થઈ રૂટ પ્રમાણે તમામ વિસ્તારોમાં ફરતા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જનતાએ યાત્રાને ખૂબ જ પ્રતિસાદ આપી વધાવી લીધી હતી અને અનેક જગ્યાએ જનતા દ્વારા ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ જેવા સૂત્રો પણ પોકાર્યા હતા. મોંઘવારી રથ બપોરે ૩.૦૦ કલાકે લક્કી રેસ્ટોરેન્ટ, લાલ દરવાજા ખાતે પહોંચતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસી કાર્યકરો અને શુભેચ્છકો સાથે ૧૦૦૦ કરતાં વધુ લોકો બાઈક રેલી આકારે મોંઘવારી રથ સાથે રેલી સ્વરૂપે જોડાયા હતા. તમામ કાર્યકરો અને આગેવાનોએ રેલીમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઈલના ભાવ સૌથી નીચી સપાટીએ છે ત્યારે સરકાર દ્વારા વેટ અને જુદા જુદા પ્રકારના ટેક્ષ લગાવીને ઐતિહાસિક ઊંચા ભાવે પેટ્રોલ અને ડીઝલ પ્રજાને વેચીને લૂંટવામાં આવી રહી છે. અણધડ રીતે જીએસટી લાગુ કરીને સમગ્ર ભારતના વેપારીઓને સરકારે પાયમાલ કરી દીધા છે. હાલ ૮૦ ટકા ધંધા રોજગાર બંધ છે. ફક્ત ગુજરાતમાં પણ પ૦ લાખથી વધુ બેકારો સરકારી ચોપડે નોંધાયેલા છે અને જીએસટીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. નોટબંધી લાગુ કરીને દેશના અર્થતંત્રને વેરવિખેર કરી દીધું છે. જીડીપી આજે ૩.૭ ટકાથી પણ નીચે ગયું છે. લોકોને ખ્યાલ આવી ગયો છે કે નોટબંધી એ ભાજપનું ગતકડું જ હતું.
ગ્યાસુદ્દીન શેખે જૂતાનો હાર સહર્ષ સ્વીકારી એનો આભાર વ્યક્ત કર્યો
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા મોંઘવારી રથમાં દરિયાપુરના ધારાસભ્ય તેમના કાર્યકરો અને શુભેચ્છકો સાથે એક હજારથી વધુ સંખ્યામાં બાઈકરેલી સાથે જોડાયા હતા ત્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને એક અસામાજિક તત્ત્વ દ્વારા જૂતાનો હાર પહેરાવવાનો પ્રયત્ન કરાયો ત્યારે ધારાસભ્યએ આ વ્યક્તિને આવકારી સહર્ષ હાર પહેરી તેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું છે કે આજથી બે વર્ષ પહેલા પ્રજાની ફરિયાદના અનુસંધાને મેં આ જૂતાનો હાર પહેરાવનાર વ્યક્તિનો જુગારનો અડ્ડો બંધ કરાવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી તેણે મને જૂતાનો હાર પહેરાવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે મેં મારા ધારાસભ્યના કાળ દરમિયાન એમ.ડી. ડ્રગ્સ અને દારૂ જુગારની બદી સામે વિધાનસભામાં અવારનવાર અવાજ બુલંદ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ મેં ડ્રગ્સ અને દારૂબંધી બાબતે પીઆઈએલ દાખલ કરી છે. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આ બદીને દબાવવા કડક સૂચના આપી છે. મેં મારા જીવનમાં ક્યારેય પણ અસામાજિક તત્ત્વો તથા દારૂ જુગાર બાબતે કોઈ દિવસ પણ પોલીસમાં કે બીજે ભલામણ કરી નથી અને કોઈ પ્રજાજન મારી સમક્ષ અસામાજિક બાબતે ફરિયાદ લઈને આવે તો હું તાત્કાલિક દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા પોલીસને જાણ કરું છું. આમ હું અસામાજિક પ્રવૃત્તિ વિરૂદ્ધ હંમેશા રહ્યો છું અને આજીવન રહીશ. આજે જ્યારે મોંઘવારી રથ શાહપુર અડ્ડા ખાતે પહોંચ્યો ત્યારે જેનો જુગારનો અડ્ડો મેં બંધ કરાવ્યો હતો તેવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એક મુસ્લિમ સમાજની વ્યક્તિ મારા સ્વાગત માટે જૂતાનો હાર લઈને આવી હતી ત્યારે મેં એનો સહર્ષ સ્વીકાર કરતા એનો આભાર વ્યક્ત કર્યો હતો અને મેં કહ્યું હતું કે મને જૂતાનો હાર પહેરાવો કે મારા પર ગોળીઓનો વરસાદ વરસાવો હું જીવનના અંતિમશ્વાસ સુધી દારૂ જુગારની પ્રવૃત્તિનો વિરોધ કરતો જ રહેવાનો છું અને અસામાજિક તત્ત્વોનો કદી પણ સાથ આપવાનો નથી એટલું સમજી લેશો.