અમદાવાદ, તા.૫
દેશની સાથે રાજ્યમાં પણ જીએસટીનો ભારે વિરોધ થયો હતો છતાં પણ લાગૂ થયેલ જીએસટીને પગલે અનેક ધંધા-રોજગાર પર તેની અસરો જોવા મળી રહી છે. અનેક બજારો મંદી તરફ અગ્રેસર થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના આણંદ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં અનેક તુવેરદાળની મિલો ઉપર જીએસટીની સાફ અસર જોવા મળી રહી છે જેને પગલે કેટલીક મિલોએ કામના કલાક ઘટાડ્યા છે તો કેટલીક મિલોએ પ૦ ટકાથી વધુ કર્મીઓને છૂટા કર્યા છે તો કેટલીક મિલો બંધ થઈ છે અને કેટલીક બંધ થવાના આરે છે. તે જોતા આવનાર સમયમાં જીએસટી અન્ય ઉદ્યોગોને પણ અસર પહોંચાડે તો નવાઈ નહીં તેવું તુવેર દાળના મિલ માલિકો અને કર્મીઓમાં ચર્ચાઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા જીએસટીના કાયદાનો વિરોધ મોટાભાગનો વેપારી સમાજ કરી રહ્યો છે ત્યારે અનેક ધંધા રોજગાર પર તેની અસરો પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેને પરિણામે અનેક ઉદ્યોગો મંદી તરફ ઢસડાઈ રહ્યાની બૂમરાડ વેપારીઓમાં જોવા મળી છે જેનો એક કિસ્સો આણંદ જિલ્લાના વાસદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામે આવ્યો છે. વાસદ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક તુવેરદાળની મિલો આવેલી છે જે તુવેરદાળને તૈયાર કરી બજાર સુધી પહોંચાડે છે. જ્યારથી જીએસટી લાગુ કરાયો છે ત્યારથી આ વિસ્તારની અનેક મિલોમાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાત કરીએ એક જાણીતા તુવેરદાળના ઉત્પાદકની તો તેમની વાસદ ખાતે ૧૧ જેટલી મિલો છે તે પૈકીની હાલ માત્ર ૩થી ૪ જેટલી જ મિલો ચાલુ છે જ્યારે બાકીની મિલો બંધ છે. આ મિલોમાં કુલ ૧૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા તે પૈકી ૬૦૦ જેટલા કર્મીઓને છૂટા કર્યા છે જ્યારે મિલોમાં કામના કલાકો પણ ઘટાડ્યા છે. જીએસટીના પરિણામે મિલોની આ દશા થઈ છે તેવું મિલ માલિકો સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવુ માત્ર કોઈ એક મિલ માલિક સાથે નથી થયું. આ વિસ્તારના બધા જ તુવેરદાળવાળાઓની હાલત કફોડી બની છે. જીએસટીને પરિણામે બજારની સ્થિતિ જોતાં તેમને માથે હાથ દઈ હોવાનો વારો આવ્યો છે. જો આવી જ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં રહેશે તો હાલત આનાથી પણ કફોડી બની જશે તેવું મિલ માલિકો અને કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ બજારમાં મંદીનો માહોલ પ્રવર્તતો હોઈ છૂટા થયેલા કર્મીઓ માટે પણ રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. છૂટા થયેલા કર્મીઓ પૈકીના અનેક કર્મીઓ હાલ તો બેકારીનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે જ્યારે મિલ માલિકો પણ બજારમાંથી મંદી દૂર થાય તેવી રાહ જોઈ રહ્યા છે. આમ તુવેરદાળ ઉત્પાદનના ક્ષેત્રે સંકળાયેલા આ વિસ્તારના મોટાભાગના લોકો હાલ તો પરેશાન હાલ છે.