મોસાલી, તા.૫
સરકાર દ્વારા જીએસટી લાગુ કરાતા પ્રજા આર્થિક મંદીના માહોલમાં ધકેલાઈ ગઈ છે એવા આક્ષેપ સાથે વિવિધ વણ ઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું છે.
રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. પરંતુ અણઘડ વહીવટ અને વહીવટી કુશળતાના અભાવે રાજ્યમાં અસહ્ય માંેઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે જેને પગલે ખેડૂતો-કામદારો, વેપારીઓ, મજૂર વર્ગ, દલિતો અને બેરોજગારો સાથે સરકારે વિશ્વાસઘાત કર્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને ચઢ્યા છે. અનાજ-કઠોળ અને શાકભાજીના ભાવો પણ બેફામ રીતે વધી રહ્યા છે. જેની સામે ખેડૂતોની ઉપજના ભાવો પણ બેફામ રીતે વધી રહ્યા છે. જેની સામે ખેડૂતોની ઉપજના ભાવો મળતા નથી. સરકાર દ્વારા જીએસટી લાગુ કરાતા પ્રજા આર્થિક મંદીના માહોલમાં ધકેલાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો અને મધ્યમવર્ગી લોકોને બેફામ વીજળીના બિલો આપવામાં આવી રહ્યા છે. સસ્તા અનાજની દુકાનોમાં કૂપન પ્રથાથી ગરીબો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વગેરે પ્રશ્નોની આ આવેદનપત્રમાં નમ્ર અરજ કરાઈ છે. આ પ્રસંગે સુરેશ વસાવા, નાનસીંગ વસાવા, રમણભાઈ ચૌધરી, જયંતિ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.
પોલીસ અધિકારી સુરક્ષિત નથી તો આમ જનતા કેવી રીતે સુરક્ષિત હોય ?
મોસાલી, તા.૫
તરસાડી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલ એક આવેદનપત્ર, માંગરોળના મામલતદારને આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં હોવા છતાં તરસાડી નગરપાલિકા વિસ્તાર તથા આસપાસના ગામોમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં કોસંબાના પીએઈઆઈ દ્વારા તરસાડીના દાદરી ફળિયા વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. ત્યારે આ સ્થળે ભાજપના કાર્યકરો અને અસામાજિક તત્ત્વો દ્વારા કોસંબા પોલીસ મથકમાં પીએસઆઈનો ઘેરાવ કરી વર્ધી ઉપર હાથ લગાવી પોલીસની ગરીમાને ધબ્બો લગાડેલ છે. આ બનાવથી પ્રજાજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે. સાથે જ આમ લોકોના મુખે ચાલતી ચર્ચા મુજબ જો પોલીસ અધિકારી સુરક્ષિત નથી તો આમ જનતા કેવી રીતે સુરક્ષિત હોય જેથી પ્રજાજનોમાં ભયમુક્ત વાતાવરણ બનાવવા માટે આ બનાવમાં સંડોવાયેલા ભાજપના કાર્યકરો તથા અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં ભરી, કાયદેસરની કાર્યવાહી કરી, સમાજમાં દાખલો બેસાડવાની જરૂર તથા પોલીસ અધિકારીનું મનોબળ ન તૂટે એ માટે કાર્યવાહી કરવા માંગ કરી, જો આ લોકો સામે કાર્યવાહી નહીં ઠરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે ડૉ. નટવરસિંહ આડમાર, એડ, હરેન્દ્ર પરમાર વગેરે હાજર રહ્યા હતા.