(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૫
હજયાત્રીઓને પડતી પારાવાર મુશ્કેલીઓ માટે જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને ઉદ્દેશી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં હજયાત્રીઓના થતાં શોષણને બંધ કરી જીવનના એક સ્વપ્ન સમાન પવિત્ર યાત્રા સુખ સુવિધાથી પુર્ણ થાય તેવી માગ કરવામાં આવી છે. જમિયતે ઉલમાએ હિન્દ, વડોદરા (અરસદ મદની ગ્રુપ) દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે, સરકાર સબસિડીના નામ ઉપર હજયાત્રીઓને બદનામ કરી તેમનું શોષણ તેમજ કમિશનને મશીન બનાવી કામ કરે છે. વિમાન ભાડુ આંતરરાષ્ટ્રીય ભાડા કરતાં બમણું વસૂલ કરવામાં આવે છે. અમદાવાદ સહિત અન્ય વિમાન મથકો ઉપર પાર્કિંગનું ભાડુ ૧૧ રૂપિયા વસૂલ કરવામાં આવે છે છતા પાર્કિંગની યોગ્ય સુવિધા નથી હોતી એર હોસ્ટેસ હજયાત્રીઓ સાથે અપમાનજનક વર્તાવ કરે છે. હજયાત્રીઓનો સામાન ફેંકવામાં આવે છે. જે ફલાઈટમાં મુસાફરી કરતાં હોય તેને બદલે બીજી ફલાઈટમાં સામાન મોકલવામાં આવ્યો હોવાથી યાત્રીઓને પારાવાર મુશ્કેલી પડે છે. મક્કા-મદિનામાં રૂમનું ભાડુ પુરૂ વસૂલ કરવા છતાં કપલ યાત્રીઓને અલગ રૂમ આપવો જોઈએ પણ એક રૂમમા આઠ દસ યાત્રીઓને ફાળવી બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તગડુ કમિશન મેળવે છે. અજાણ્યા પુરૂષો સાથે મહિલાઓ રૂમમાં કેવી રીતે રહી શકે. યાત્રામાં પરત ફરતી વખતે સામાનના વજનના નામે મોટી રકમ વસૂલ કરવામાં આવે છે. જેની રસીદ આપવામાં આવતી નથી. ચાર-પાંચ વર્ષ રાહ જોયા પછી નંબર લાગે છે. સબસિડીના નામે બદનામ કરી લૂંટ કરવામાં આવે છે. આથી સબસિડી બંધ કરી દેવી જોઈએ. આંતરરાષ્ટ્રીય વિમાન સેવાની છૂટ આપવી જોઈએ અને એર ઈન્ડિયા રદ કરવી જોઈએ. બિલ્ડીંગનું ભાડુ નક્કી કરવા પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ. રૂમનું ભાડુ વસૂલ કરી અલગ અલગ રૂમ ફાળવી આપવામાં આવે. મધ્યમ વર્ગ માટે દરિયાઈ સેવા શરૂ કરવી જોઈએ અને તેમને ટેન્ટમાં રહેવાની સગવડ આપવી જોઈએ. શોષણ સદંતર બંધ થવુ જોઈએ. છેલ્લા પાંચ વર્ષ, દરમિયાન મકાન-ટ્રાન્સપોરટનાં કોન્ટ્રાક્ટરની તપાસ કરી ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાયદેસર પગલા ભરવા જોઈએ તેવી માંગણી જમીયતે ઉલમા વડોદરાનાં જનરલ સેક્રેટરી મોહંમદહનીફ ચૌહાણ, પ્રમુખ મોહંમદવલી ઈશા વિગેરે દ્વારા કરવામાં આવી છે.