અમદાવાદ, તા.૫
અમદાવાદ શહેરના નવા પશ્ચિમઝોનમાં આવેલા ગોતા વોર્ડની ટી.પી.સ્કીમ નંબર ૩૨ ઉપર બિલ્ડર દ્વારા બાંધવામા આવેલી સેરેનીટી સ્પેસ નામની સ્કીમના બિલ્ડર દ્વારા ૨૫ જુલાઈના રોજ બેઝમેન્ટમા ભરાયેલા વરસાદી પાણીનો જાહેર રોડ ઉપર ગેરકાયદે નિકાલ કરવા મામલે ૧ લાખ રૂપિયા દંડ વસુલી બી.યુ.પરમીશન રદ કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામા આવેલા આદેશ છતાં અધિકારી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી ન કરવામા આવતા સ્થાનિક રહીશોમા ઉગ્ર રોષ ફેલાવા પામ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,નવા પશ્ચિમઝોનમાં આવેલા ગોતા વોર્ડમાં બિલ્ડર દ્વારા સેરેનીટી સ્પેસ નામની સ્કીમ બનાવવામા આવી છે આ વર્ષે અમદાવાદમા ૨૫ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદને પગલે આ સ્કીમના ભોંયરામા ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર રોડ પર કરવામા આવતા તંત્ર તરફથી સોસાયટીના ચેરમેન-સેક્રેટરીના નામજોગ એક નોટિસ આપવામા આવી હતી જેમા તેમને વરસાદી પાણીનો ગેરકાયદે નિકાલ કરવા મામલે રૂપિયા એક લાખ પેનલ્ટીરૂપે પાંચ દિવસમાં ભરપાઈ કરવા અથવા જો રકમ ભરપાઈ ન કરવામા આવે તો બી.યુ.પરમીશન રદ કરી બાંધકામ અટકાવી દેવામા આવશે એમ કહેવામા આવ્યુ હતુ આ પછી નવા પશ્ચિમઝોનના ડેપ્યુટી કમિશનર દ્વારા પણ બિલ્ડર સામે કાર્યવાહી કરવા એસ્ટેટના અધિકારીને આદેશ આપવામા આવ્યો હોવાછતાં અધિકારી દ્વારા બિલ્ડર સામે કાર્યવાહીનો ઈન્કાર કરવામા આવતા સ્થાનિક રહીશોમા ઉગ્ર રોષ ફેલાવા પામ્યો છે. પોતાના ઉપરી અધિકારી એવા ડેપ્યુટી કમિશનરના આદેશ છતાં બિલ્ડર સામે કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દેનારા અધિકારી સામે આવનારા સમયમા સ્થાનિક રહીશો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામા આવશે એમ જાણવા મળ્યુ છે.