અમદાવાદ,તા. ૫
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને નડિયાદ ગ્રામ્ય પોલીસમથકમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં સુનીલ મલ્હીની પોતાની સર્વિસ રિવોલ્વરથી રહસ્યમય સંજોગોમાં આત્મ હત્યાના ચકચાર ભર્યા કેસમાં પોલીસ મોતનું ચોક્કસ કારણ શોધી રહી છે. આ માટે પોલીસે મરનાર પીઆઇ મલ્હીના ઘરમાંથી મળેલા બિમારી અંગેના તબીબી રિપોર્ટના આધારે પણ તપાસ હાથ ધરી છે. જો કે, પીઆઇ સુનીલ મલ્હીનો મોબાઇલ ઘરમાંથી ન મળતા પોલીસે ગુમ થયેલા મોબાઇલની પણ તપાસ શરૂ કરી છે કે તેના આધારે કોઇ કડી હાથ લાગે તો. છેલ્લે તેઓ લિવરની બિમારી અંગે ડોકટરને બતાવવા પણ જવાના હતા તેવી માહિતી પણ પોલીસને પ્રાપ્ત થઇ છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આ મામલામાં કૌટુંબિક કારણ જવાબદાર છે કે, બિમારીનું કે પછી અન્ય કોઇ પરિબળ કારણભૂત છે તે તમામ દિશાઓમાં હાલ તો પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, પીઆઇ સુનીલ મલ્હીની આત્મહત્યાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવાની સાથે સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં જનતાનગર ખાતે રહેતા પોલીસ ઇન્સ્પેકટર સુનીલ મલ્હી નડિયાદ ગ્રામ્ય પોલીસમથકમાં પીઆઇ તરીકે છેલ્લે ફરજ બજાવતા હતા. ગઇકાલે રહસ્યમય સંજોગોમાં પીઆઇ સુનીલ મલ્હીની લાશ તેમના નિવાસસ્થાનેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પીઆઇ સુનીલ મલ્હીએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. પીઆઇ સુનીલ મલ્હી તા.૨૯મી સપ્ટેમ્બરથી સીક લીવ પર હતા. ચાંદખેડા પોલીસે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.