(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોની કવાયત વધી જવા પામી છે. જેમાં ચૂંટણીનો જંગ જીતવા મતદારોને આકર્ષવા માટે નવા-નવા વ્યૂહ અપનાવાઈ રહ્યા છે. શાસક ભાજપથી નારાજ વિવિધ વર્ગને મનાવી લેવાના પ્રયાસો વચ્ચે “વિકાસ ગાંડો થયો છે”એ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે હવે ભાજપના મોવડીઓને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ફરી યાદ આવ્યા છે. અપમાનજક સ્થિતિમાં તેઓને અગાઉ હટાવાયા બાદ રાજ્યની તમામ વર્તમાન સ્થિતિ તેમાંય ખાસ પાટીદારોના વલણને જોતા અધ્યક્ષ અમિત શાહે આનંદીબહેન સાથે ગત સપ્તાહે લંબાણપૂર્વકની બેઠક કર્યા બાદ આજે ભાજપના ફાયરબ્રાન્ડ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું કહેતા નવા વિવાદ સાથે રાજકીય ચર્ચા શરૂ થવા પામી છે. એ સાથે ભાજપ હાઈકમાન્ડે આ દિશામાં વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટીદાર સહિતના વિવિધ વર્ગની નારાજગી અને તેમાંય કોંગ્રેસનો “વિકાસ ગાંડો થયો છે” અને બળતામાં ઘી હોમવાનું કામ કરતા ઠેર-ઠેર ભાજપના કાર્યક્રમોમાં લોકોનો વિરોધ-નિરૂત્સાહ જોવા મળતા ભાજપના મોવડીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે. ગત સપ્તાહે પાટીદારોની નારાજગી ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે જ પ્રદર્શન રૂપે જોવા મળતા અમિત શાહ આખરે એકાએક પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ત્યાં દોડી ગયા હતા અને લંબાણપૂર્વકની બેઠક કરી હતી. જેને લઈને અનેક અટકળો શરૂ થઈ જવા પામી છે. રાજકીય પંડિતો પાટીદારોની નારાજગીને ખાળવા ભાજપ હાઈકમાન્ડ ફરી આનંદીબેનને નેતૃત્વ સોંપે તેવી શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ કે જેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. તે સુબ્રમણ્યમ સ્વામીએ આજે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આનંદીબેન પટેલને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે આનંદીબેનની ગુજરાતમાં લોકપ્રિયતા ઉત્તરોત્તર વધી રહી છે ત્યારે ભાજપની જીત માટે તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ અગાઉ વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂક્યા છે અને તેમના નેતૃત્વમાં ૧પ૦થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે ત્યારે સ્વામીએ આજે કરેલી ટ્વિટ નવા સમીકરણો રચવા તરફ ઈશારો કરી રહી છે. સ્વામીએ આનંદીબેનના વખાણો કરી તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવા અંગે કહેતા રાજકારણમાં નવા વિવાદ સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપમાં ચાલતી ગતિવિધિઓ, અમિત શાહની બોડી લેંગ્વેજ, તથા અગત્યની ખાસ બેઠકોમાં આનંદીબેનની હાજરી તેમની સાથે પક્ષના અગ્રણીઓના જારી સંપર્કો એક નવું સમીકરણ રચાઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય લે છે.