(એજન્સી) તવાંગ, તા.૬
અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીક એરફોર્સનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર ૭ જવાનોના મોત થયા છે તેમ એરફોર્સના સૂત્રોએ જણાવ્યું હતું. તવાંગથી દૂર ચીન સરહદે સવારે ૬ કલાકે એરફોર્સનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જેના કારણે પ એરફોર્સના જવાનો અને બે સેનાના જવાનો માર્યા ગયા હતા. રશિયન બનાવટનું મીગ ૧૭-વીએસ હેલિકોપ્ટર પર્વતીય ક્ષેત્રોમાં ભારતીય સેના માટે પુરવઠો પૂરો પાડવાનું કામ કરતું હતું. અકસ્માતનું કારણ શોધવા કોર્ટ ઈન્કવાયરી અપાઈ છે. એરફોર્સની સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ આ અકસ્માત સર્જાતા ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. એર ચીફ માર્શલ બી.એસ. ધન નોઆએ ગઈકાલે કહ્યું હતું કે શાંતિના સમયે જે જવાનોનાં મોત થાય છે તે ચિંતાનો વિષય છે. અકસ્માતો ઓછા સર્જાય અને આપણી કિંમતી સંપત્તિ બચે તે માટેના પ્રયાસો ચાલે છે. તેઓ હેલિકોપ્ટર અને જેટવિમાનોની દુર્ઘટનાઓ સંબંધે બોલી રહ્યા હતા. મીગ-૧૭ રશિયન બનાવટનું હેલિકોપ્ટર સેના માટે માલસામાન પરિવહનનું કામ કરે છે.