(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૬
સુરેન્દ્રનગરની હેડ પોસ્ટઓફિસ પાછળ રહેતી સગીરાને બે માસ પહેલાં જેગડવા ગામનો યુવાન લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ કરવા છતાં હજુ સુધી સગીરાની કે યુવાનની ભાળ ન મળતા કલેટર કચેરીમાં લેખિત રજૂઆત કરી સગીરાની માતાએ આત્મવિલોપનની ચીમકી આપતા ચકચાર ફેલાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં બે માસ પહેલાં બનેલ આવા એક બનાવમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સગીરાની માતાએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી દીકરી નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. આ રજૂઆતમાં સગીરાની માતા રહેમતબેન શહેમહંમદભાઈએ જણાવ્યું કે, બે માસ પહેલાં તેમની સગીર દીકરીને જેગડવાનો કિશન કરશનભાઈ વાઘેલા લલચાવી, ફોસલાવી ભગાડી લઈ ગયો છે. આ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં કોલ ડિટેઈલના આધારે યુવક અને યુવકને મદદગારી કરનાર શખ્સોની ધરપકડ કરાતી નથી એક તરફ વડાપ્રધાન મોદી બહેન, દીકરીઓ સલામત હોવાના દાવા કરે છે ત્યારે ૧૬ વર્ષની સગીરા દીકરીની ભાળ ન મળતા માતા રહેમતબેને કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી આપી છે.