નવી દિલ્હી,તા. ૭
દિલ્હીના માનસરોવર વિસ્તાર પાર્કમાં એક પરિવારના ચાર સભ્યોની ક્રૂર હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. મૃત્યુ પામનારમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. હત્યારાઓએ ત્યાં રહેલા ગાર્ડની પણ ક્રૂર હત્યા કરી દીધી હતી. એમ કહેવામાં આવે છે કે પોલીસને માનસરોવર વિસ્તારમાં હત્યાકાંડ અંગે માહિતી મળી હતી. પોલીસે બાતમી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ માને છે કે પ્રોપર્ટીને લઇને લડાઇ થઇ રહી હતી. માર્યા ગયેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં નુપુર જિન્દલ, અંજલિ જિન્દલ અને ઉર્મિલા તેમજ સંગીત ગુપ્તાનો સમાવેશ થાય છે. જ્યારે માર્યા ગયેલા ગાર્ડની ઓળખ રાકેશ તરીકે કરવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે માર્યા ગયેલા લોકો મિલ માલિકના ઘરના સભ્યો હતા. આ મિલ પર સાત ભાઇઓનો માલિકી હક્ક છે. ઉર્મિલાના પતિની થોડાક સમય પહેલા મૃત્યુ થઇ ગઇ હતી. તે પોતાની ત્રણ પુત્રીઓ સાથે અહીં રહેતી હતી. આમાંથી એક પુત્રી વિધવા હતી. જ્યારે બેના લગ્ન થયા ન હતા. એમ કહેવામાં આવે છે કે મિલને વેચી દેવાની તૈયારી હતી. જેને લઇને હાલમાં વિવાદની સ્થિતિ હતી. પોલીસ કેટલાક એન્ગલને લઇને તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હજુ હત્યાના કારણને લઇને માહિતી મળી શકી નથી. પ્રથમ દૃષ્ટિએ તો મામલો પ્રોપર્ટીનો લાગી રહ્યો છે. વધુ તપાસ બાદ જ નક્કર વિગત જાણી શકાશે. હત્યાકાંડ અંગે જાણ થયા બાદ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. આ બાબતને લઇને સામાન્ય લોકોમાં તર્ક વિતર્કનો દોર ચાલી રહ્યો છે. પરિવારના અન્યો દ્વારા ટિપ્પણી કરવામાં આવી નથી.