(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
ર૦૧૬માં મુખ્યમંત્રી પદેથી સામે ચાલીને એકાએક રાજીનામું આપી બધાને ચોંકાવી દેનાર આનંદીબેન પટેલનું હાલમાં ફરી એકવાર પાટીદારોની નારાજગી ખાળવા મુખ્યમંત્રી પદ માટે નામ વહેતું થવા સાથે તે અંગેની અટકળો તેજ બની છે ત્યારે ખુદ આનંદીબેન પટેલે સામે ચાલીને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પત્ર પાઠવી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દેતા ફરી તેમણે બધાને ચોંકાવી દીધા છે. હાલમાં નારાજ મતદારોને મુદ્દે પક્ષની સ્થિતિ બરાબર નથી ત્યારે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો-અનુમાનો થઈ રહ્યા છે અને ભાજપ પણ સ્થિતિ સુધારવા પ્રયાસ કરી રહ્યું છે તેવા સમયે જ ૭પ વર્ષની પક્ષની પોલિસીની વાત આગળ ધરી આનંદીબેને ચૂંટણી લડવાની અનિષ્છા વ્યક્ત કરતા અનેક અટકળોનું બજાર ગરમ થવા પામેલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પક્ષપ્રમુખ અમિત શાહને એક પત્ર લખી આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરી આનંદીબેનને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. એવું જણાવ્યું હતું જે પછી જોરશોરથી વાત થતી હતી કે આનંદીબેન ચૂંટણી લડશે તેઓ ભાવિ મુખ્યમંત્રી બનશે. પરંતુ આજે તેમણે આ બધા ઉપર પૂર્ણ વિરામ મૂકી ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પક્ષ પ્રમુખને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ભાજપે ૭પ વર્ષની પોલિસી નક્કી કરી છે અને હું ૭પ વર્ષ પાર કરી ગઈ હોવાથી પક્ષની એ નીતિ અનુસાર જ મારે ચૂંટણી લડવી નથી. તેવો ભાર પણ મૂક્યો હતો. તેમણે પત્રમાં એવું પણ જણાવ્યું છે કે મારી ઘાટલોડિયા બેઠકથી કોઈ સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવામાં આવે. વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે મારે તેઓને તક આપવી જોઈએ. પત્રમાં તેમણે વધુમાં ઉમેર્યું છે કે પક્ષમાં મારા જેવા વરિષ્ઠ નેતાઓને બદલે યુવા નેતાઓને આગળ કરવાની જરૂર છે. પક્ષ જે કામ સોંપશે તે મનથી નિભાવીશ. અત્રે નોંધનીય છે કે ભાજપે થોડા સમય પહેલા એવું નક્કી કર્યું હતું કે ૭પ વર્ષની ઉપરના નેતાઓએ ચૂંટણી ન લડવી, આનંદીબહેન પટેલ પક્ષના આ સિદ્ધાંતને સ્વીકારી રહ્યા છે અને તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જો કે આનંદીબેનના રાજીનામાને લઈને ચર્ચાનું બજાર ગરમ થઈ જવા પામ્યું છે.
ભાજપમાં જ આવું શક્ય બની શકે, નવી પેઢીને તક માટેનો નિર્ણય : રૂપાણી
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ દરમિયાન ભાજપની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે એકાએક પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવાતા તે અંગે રાજકીય ચર્ચાનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. તેમનો આ નિર્ણય સૂચક મનાઈ રહ્યો છે ત્યારે ભાજપની જાહેર પ્રતિક્રિયા તો બહાર આવી છે, જો કે અંદરની પ્રતિક્રિયાતો કંઈક જુદી જ હોવાની વાત ચર્ચામાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપમાં જ આવું શક્ય બની શકે તેમ જણાવતા પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નવી પેઢીને તક મળે તે માટે આનંદીબેને નિર્ણય કર્યો છે. આનંદીબેનના પત્ર મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આનંદીબેનનો નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય છે આ મુદ્દે હું કોમેન્ટ નહીં કરૂં. ત્યારે આ મુદ્દે ઊંઝાના ધારાસભ્ય નારાયણ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આનંદી બેને ભાજપના હિત માટે ચૂંટણી લડવી જોઈએ. જો આનંદીબેન ચૂંટણી લડે તો નારાજ પાટીદારો ભાજપ તરફ ખેંચાશે. અમારી માગણી છે કે આનંદીબેન ચૂંટણી લડે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આનંદીબેન અમારા વરિષ્ઠ અને આદરણીય નેતા છે તેણે પોતાની જે લાગણી વ્યક્ત કરી છે. તેના પર હાઈકમાન્ડ વિચાર કરી નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે આજે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો તે સાથે તેમણે રાજનીતિ નહીં છોડવાનો અને અન્ય કોઈ રાજ્યમાં રાજ્યપાલ તરીકે નહીં જવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.