(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ભાજપાધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ બિઝનેસમાં આવેલા ઉછાળાના કારણે વિવાદોમાં સપડાયા છે. આ મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાંસી ઉડાવતા ટ્વીટર પર મોદીને આ મામલે કંઈક બોલવા કહ્યું હતું. રાહુલે ગઈકાલે ટ્વીટ કરી મોદીને કહ્યું કે, “મોદીજી, જય શાહ જ્યાદા ખા ગયા, આપ ચૌકીદાર થે યા ભાગીદાર ? કુછ તો બોલીએ.”
કોંગ્રેસ ઉપરાંત અન્ય વિરોધ પક્ષોએ પણ જય શાહ પર ધ વાયર દ્વારા લગાવવામાં આવેલ આરોપો મામલે તપાસની માગ કરી છે ‘ધ વાયર’ એ દાવો કર્યો હતો કે, ર૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તા પર આવ્યા બાદ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં ૧૬,૦૦૦ ગણો વધારો થયો છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ કોન્ફરન્સ યોજી જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડને રજિસ્ટ્રારમાંથી માહિતી જારી કરવા કહ્યું હતું. તેમજ મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “અમે માત્ર આટલું જ કહેવા માંગીએ છીએ કે પ્રધાન સેવક (મોદીજી) તપાસ કરાવે. કારણ કે આ મૂર્ખ મૂડીવાદનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે શાહ એ આ દાવાને ફગાવતા તેને ખોટો અને અપમાનજનક ગણાવ્યો હતો. તેમણે ધ વાયર પર ૧૦૦ કરોડનો દાવો માંડયો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલ અને ઉત્તરપ્રદેશના આરોગ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંઘ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના અધ્યક્ષના પુત્રનો બચાવ કર્યો હતો.