(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૯
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે તેઓ આણંદ જિલ્લામાં આવતા તેઓનું બાંધણી ચોકડી પાસે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અહિયાંથી તેઓ પેટલાદ ગયા હતા જ્યાં તેઓએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી અને જનસભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ બોરસદ તાલુકાના દેદરડા ગામે આવી પહોંચતા મહિલાઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અહિયાં તેઓએ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો, ત્યારબાદ તેઓએ બોરસદ ખાતે પણ જાહેરસભા સંબોધી હતી, રસ્તામાં ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત થયું હતું. બોરસદના દેદરડા ગામે મહિલાઓ સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે તેઓ ન્યુઝીલેન્ડ ગયા હતા, ત્યારે દૂધની મોટી મોટી કંપનીઓએ તેઓને દૂધ ઉત્પાદનના નકશા બતાવીને કહ્યું હતું કે તેઓ આટલી જગ્યાએ દૂધ નિકાસ કરે છે, ત્યારે તેઓએ કંપનીના સંચાલકોને પૂછ્યું હતું કે તમે દરેક જગ્યાએ દૂધની નિકાસ કરો છો, તો ભારતમાં કેમ કરતા નથી ત્યારે સંચાલકોએ કહ્યું હતું કે ભારતમાં આણંદની મહિલાઓના દૂધ ઉત્પાદનની શકિતને તેઓ પહોંચી શકે તેમ નથી તેમ કહીને તેઓએ દૂધ ઉત્પાદન કરતી મહિલાઓની શકિતને બિરદાવી હતી. તેમજ મહિલાઓ સાથે સંવાદ કરીને તેઓને કેવી રીતે દૂધ ઉત્પાદન કરવામાં આવે છે, દૂધ ઉત્પાદન કરવામાં તેઓને શું કઠિનાઈઓ પડે છે, ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે, વગેરે સંવાદો કર્યા હતા. તેમજ બેંક દ્વારા લોન મળે છે કે નહીં તેવી પૂછપરછ કરતા મહિલાઓએ બેંકમાંથી લોન નહીં મળતી હોવાની, દૂધના યોગ્ય ભાવ નહીં મળતા હોવાની તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના ડોક્ટરો નહીં મળતા હોવાની રજૂઆત કરી હતી, તે અંગે તેઓએ કહ્યું હતું કે બેંકો દ્વારા લોન નહીં આપવાનો પ્રશ્ન માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશનો છે, દેશભરમાં બેંકો દ્વારા તમામ પૈસાની લોન માત્ર ૧૦-૧૫ ઉદ્યોગપતિઓને જ આપવામાં આવે છે, દેશમાં જે ટોચના ૨૦ ધનવાનો છે, તે બેંકોમાંથી સવાલાખ કરોડ રૂપિયાની લોન લઈને બેઠા છે અને પરત ભરપાઈ કરતા નથી, જો તમે ઉદ્યોગપતિ છો તો તમારા માટે બેંકોના દરવાજા ખુલ્લા છે, પરંતુ જો તમે ખેડૂત છો, મહિલા છો, અને નાના વેપારી છો તો તમારા માટે બેંકના દરવાજા બંધ છે. ત્યારે જો અમારી સરકાર આવશેે તો અમે જે બેંકો દ્વારા ઉદ્યોગપતિઓને નાણાંની લોન આપવામાં આવે છે, તે બંધ કરાવીને ગુજરાતના ગરીબ કમજોર અને ખેડૂતો તેમજ નાના વેપારીઓને આપીશું, કેમ કે દેશમાં માત્ર ૧૦-૧૫ મોટા ઉદ્યોગપતિઓ રોજગારી આપી શકતા નથી, પરંતુ ખેતરોમાં તેમજ નાના વેપારીઓ અને નાની ફેકટરીઓ જ રોજગારી પૂરી પાડી શકે છે, તેમણે કહ્યું હતું કે ગુજરાતની મહિલાઓએ દેશને શ્વેતક્રાંતિનો રસ્તો બતાવ્યો છે. અહિંયા રાહુલ ગાંધીએ દલિત પરિવારના ઘરેથી આવેલી ચા પણ પીધી હતી, તેમજ મહિલાઓને તેઓના પ્રશ્નો જે ઢંઢેરામાં રજૂ કરવા જેવા હોય તે રજૂ કરવા જણાવ્યું હતું. જેથી તેને ઢંઢેરામાં સમાવેશ કરીને સત્તા પર આવ્યા બાદ તેને પૂરા કરી શકાય. તેઓની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલે પત્રકારોને કહ્યું; આપ મોદી સે સવાલ પૂછો, ડરતે ક્યું હો ?
રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે અમિત શાહના પુત્ર કે જેની પાસે ૫૦ હજાર રૂપિયા હતા અને થોડાક મહિનાઓમાં તે ૮૦ કરોડ રૂપિયા થઈ ગયા. તેનો સવાલ મોદીજી અને અમિત શાહને પુછવો જોઈએ, કહીને મીડિયાને કહ્યું હતું કે આપ ડરતે હો ? આપ મોદીજી સે સવાલ પૂછો, ડરા મત કરો.
મોદી અને ભાજપ સરકારના જુઠ્ઠાણા સાંભળી સાંભળીને વિકાસ ગાંડો થયો
રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધન દરમ્યાન ભાજપના વિકાસ ગાંડો થયો છે ના મુદ્દે માર્મિક કટાક્ષ કરતાં ઉપસ્થિત હજારોની મેદનીમાં હાસ્યનુ મોજું ફરી વળ્યું હતું. રાહુલ ગાંધીએ વિશાળ જનમેદનીને પૂછયું હતું કે, ગુજરાતના વિકાસને શું થયું છે ? શું થયું છે ? જેથી જનતાએ જવાબ આપ્યો હતો કે, વિકાસ ગાંડો થઇ ગયો છે. જનતાનો જવાબ સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ લોકોને સમજાવ્યું હતું કે, તમને ખબર છે કે આ વિકાસ ગાંડો કેમ થઇ ગયો? વાસ્વમાં મોદી અને ભાજપ સરકારના જૂઠ્ઠાણાંઓ સાંભળી સાંભળીને વિકાસ ગાંડો થઇ ગયો છે. રાહુુલ ગાંધીનો આ જવાબ સાંભળીને ઉપસ્થિત જનમેદનીમાં હાસ્યની લહેર ફરી વળી હતી. રાહુલ ગાંધીએ જયહિંદ અને ધન્યવાદ કહી સૌનો આભાર માન્યો હતો.