(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૯
વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થાને વી.આઇ.એ. હોલ-વાપી ખાતે ‘મેગા જોબ ફેર’ યોજાયો હતો.
આ મેગા જોબ ફેરમાં ૩૪ જેટલા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ૭૯૫ જેટલી ખાલી જગ્યાઓ માટે પ્રાથમિક પસંદગી સ્થળ ઉપર જ કરવામાં આવી હતી.
જોબફેર દરમિયાન વલસાડ સહિત અન્ય જિલ્લાના ૧૦૩૪ જેટલા બેરોજગારોએ નોકરી માટેના ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. જે પૈકી ૭૯૫ યુવાઓને જોબ માટે કન્ફર્મેશન લેટર આપી પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. નોકરી મેળવનાર યુવાઓમાં ખુશીની લહેર ફેલાઇ હતી.
આ પ્રસંગે બેન્કિંગ એકેડમીના આશીષભાઇ પારેખે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવતા પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરી આ પરીક્ષાઓમાં કેવી રીતે પાસ થઇ શકાય તે અંગે પ્રેઝન્ટેશન દ્વારા સમજણ આપી હતી. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટેલેન્ટ કરતાં હાર્ડવર્ક ખૂબ જ અગત્યનું છે તેમ જણાવી રોજગારી બાબતે જાગૃતિ કેળવવા માટે રોજગાર સમાચાર, ગુજરાત પાક્ષિકના વાંચન સહિત વિવિધ રોજગારલક્ષી વેબસાઇટનું નિયમિત સર્ચ કરવા તેમજ મોક ટેસ્ટની મહત્તમ પ્રેક્ટિસ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વી.આઇએ.ના જોઇન્ટ સેક્રેટરીશ્રી પ્રકાશ ભટ્ટે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
વી.આઇ.એ.ના પ્રમુખ હિતેન્દ્ર ઠક્કરે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જોબફેરમાં ભાગ લેનારા યુવક-યુવતીઓને શુભકામનાઓ પાઠવી હતી.
કેમ્પસ ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલા ઉમેદવારોને જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ સહિત મહાનુભાવોના હસ્તે એપોઇન્ટમેન્ટ લેટર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે રોજગાર અધિકારી એસ.કે.પટેલ અને કે.એમ.સારંગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જી.એલ.પટેલ, વાપી આઇ.ટી.આઇ.ના આચાર્ય કે.વી.ભંડારી, સહિત આઇ.ટી.આઇ., વોકેશનલ તાલીમ કેન્દ્રોના સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુઓ હાજર રહ્યા હતા.
વી.આઇ.એ.ના સેક્રેટરી સતીષ પટેલે આભારવિધિ આટોપી હતી.