(એજન્સી) ઉત્તરપ્રદેશ, તા.૯
ર૦૦૭માં ગોરખપુરમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભૂમિકા પર ટિપ્પણી કરતાં મામલાની કાયદાકીય લડાઈ લડી રહેલા વકીલ અને અવામી પરિષદના મહાસચિવ અસદ હયાતે કહ્યું કે, અદાલતમાં યોગીની વિરૂદ્ધ પૂરતા પુરાવાઓ છે. આ કેસની સુનાવણી ૯ ઓક્ટોબરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં યોજાઈ હતી.
સ્વતંત્ર પત્રકાર રાજીવ યાદવ સાથે વાતચીત દરમિયાન અસદે કહ્યું કે, હિંસા ભડકાવવા અને ગુનાહિત ષડયંત્ર રચવાનો સીધો પુરાવો યોગી આદિત્યનાથ દ્વારા ર૭ જાન્યુઆરી ર૦૦૭ના રોજ સાંજે આપવામાં આવેલ ભડકાઉ ભાષણ છે, જેની સિડી હાજર છે. તેમણે પોતાના ભાષણમાં બંધનું એલાન કરતાં, પોતાના સમર્થકોેને આની સૂચના દરેક સ્થળે પહોંચાડવાનું કહ્યું હતું. સાથે જ તેમણે તેમ પણ કહ્યું હતું કે, તાજિયા નહીં ઊઠે, અમે તાજિયાઓની સાથે હોળી ઉજવીશું.
પોતાના ભાષણમાં તેમણે લોકોને આગ ચાંપવા અને હત્યાઓ પણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમનું આ ભાષણ અદાલતની સામે છે અને આ ગુનાહિત કાવતરાનો મજબૂત પુરાવો છે. તેમણે કહ્યું કે, ખુદ યોગીએ ટીવી શો ‘આપકી અદાલત’માં પોતે આપેલા આ ભડકાઉ ભાષણનો સ્વીકાર કર્યો હતો. પરંતુ તપાસ એજન્સીને આ તથ્ય જણાવ્યું હોવા છતાં તેમણે આ એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનને વિચારણામાં સામેલ કર્યું નહીં.
તપાસની પ્રક્રિયા પર પ્રશ્ન ઊભો કરતાં અસદ હયાતે કહ્યું કે, તપાસ એજન્સીઓએ આને સંબંધિત સંપૂર્ણ રેકોર્ડિંગ તો મેળવી લીધું પરંતુ કલમ ૧ર૦ બીને (ગુનાહિત ષડયંત્ર) અંતર્ગત તપાસ કરી નહીં. શરૂઆતથી જ કહી રહ્યો હતો કે, મને રાજ્ય સરકાર હેઠળ આવતી કોઈપણ તપાસ એજન્સી પાસેથી નિષ્પક્ષ સમીક્ષાની આશા નથી.
તેમણે કહ્યું કે આ કેસ હવે ન્યાયાલયની સમક્ષ વિચારણા હેઠળ છે. આ દરમિયાન એવું બન્યું કે, અખિલેશ સરકારે કલમ ૧પ૩ એ, ર૯પ એ હેઠળ કાર્યવાહી ચલાવવાની પરવાનગી પત્રને બિનજરૂરી રૂપે અનિર્ણિત રાખ્યો અને યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનતા જ આ પત્ર પર નામંજૂરીની મહોર લગાવી દીધી. આ રીતે તેઓ પોતાની વિરૂદ્ધ અનિર્ણિત ગુનાહિત કેસમાં જાતે જ જજ બની ગયા.