(એજન્સી) શ્રીનગર, તા.૯
સેનાએ દક્ષિણ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઉમર ખાલિદને ઠાર માર્યો છે. તેમજ શોપિયામાં પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ હિઝબુલના કમાન્ડર સહિત બે આતંકીઓને ઢાળી દીધા હતા. જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ખાલિદ ગત અઠવાડિયે બીએસએફ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. સુરક્ષાદળો સતત તેની શોધ કરી રહ્યા હતા. ડીજીપી એસ.પી. વૈદએ આ અંગે જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા છાવણીઓ પર થયેલા અનેક હુમલાઓમાં ખાલિદ સામેલ હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆરએફ અને સેનાએ તેનેે શોધવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ખાલિદ મૂળ પાકિસ્તાની હતો. તે આતંકી જૂથમાં ભરતી કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. તેમજ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સૂત્રોના હવાલે સેનાના જવાનોને શોપિયાના ગટિપોરા વિસ્તારમાં આતંકવાદીઓનું એક દળ છુપાયું હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમ્યાન એક મકાનમાં ઉપસ્થિત આતંકીઓએ સેના પર ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાએ પણ જવાબી ગોળીબાર કર્યો હતો. જેમાં હિઝબુલનો એક કમાન્ડર સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. કમાન્ડરની ઓળખ જાહિદ મીરના રૂપે થઈ છે. જ્યારે બીજો આતંકી આબિદને પણ ઢાળી દેવામાં આવ્યો હતો.
લવ, સેક્સ, ધોખા : જૈશે મોહમ્મદના
કમાન્ડરની હત્યા પાછળની કહાણી
નવી દિલ્હી, તા. ૯
‘હું તેની મોત ઇચ્છુ છું’, આ એ કાશ્મીરી યુવતીનું સીધું નિવેદન હતું જ્યારે એક વર્ષ પહેલા તેણે જમ્મુ-કાશ્મીર પોલીસના સીનિયર અધિકારીની કચેરીમાં ઘુસ્યા બાદ બદલાની ભાવનાથી આ શબ્દો કહ્યા હતા. ૨૦ વર્ષની દેખાતી કાશ્મીરી યુવતી જૈશે મોહંમદના ઓપરેશનલ કમાન્ડર ખાલિદને મારી નાખવા માગતી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે, હું તેનું પગેરૂ આપીશ બાકી તમારે તેને મારી નાખવો પડશે. ઉત્તર કાશ્મીરમાં એક નાનકડા એન્કાઉન્ટર બાદ સોમવારે પોલીસે ખાલિદને ઠાર કર્યો. આ યુવતી ખાલિદની ગર્લફ્રેન્ડ હતી જેણે તેની સાથે કેટલોક સમય વીતાવ્યો હતો.
શા માટે તેને મારવા માગતી હતી : એક વર્ષ પહેલા યુવતીને જાણ થઇ કે તે ગર્ભવતી થઇ છે. તેણે આ વાતનો ખુલાસો ખાલિદને કર્યો હતો. તેને આશા હતી કે, તે એટલો જ ખુશ થશે જેટલી ખુશ તે છે. પરંતુ ખાલિદના જવાબે તેનું દિલ તોડી નાખ્યું. ખાલિદે જવાબ આપ્યો હતો કે, તેનો તેની સાથે તથા તેના બાળક સાથે કોઇ લેવા દેવા નથી. તિરસ્કાર થયા બાદ તે પોતાનાપિતરાઇ સાથે પંજાબના જલંધરમાં જતી રહી હતી અને તેના બાળકનું ગર્ભપાત કરાવી દીધું હતું. પરંતુ બાદમાં તે પ્રતિશોધની જ્વાળામાં ખાલિદને મારી નાખવાની મંશાએ પરત ફરી. તેનું માનવું હતું કે, ખાલિદે તેનો ઉપયોગ કર્યો હતો અને વણજન્મેલા બાળકના મોત તથા તેની બરબાદી પાછળ તેજ જવાબદાર હતો.
મહિલા તેના મિશન પર નીકળી : બદલાની આગમાં બળી રહેલી યુવતીએ નક્કી કર્યું કે, ખાલિદનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જાય. છેલ્લા આઠ વર્ષથી તે સુરક્ષા દળોની ગોળીઓથી બચી જતો હતો. કેટલીયેવાર તેના વિશેની માહિતી પોલીસને આપવામાં આવી હતી પરંતુ તે દરેક વખતે બચી જતો હતો. ઘણા વર્ષોથી કાશ્મીરમાં ફિદાયીન હુમલા માટે જૈશે મોહંમદનો માસ્ટરમઇન્ડ ખાલિદ જવાબદાર મનાતો હતો. તે ઉપરાંત ખાલિદનું કામ આતંકવાદીઓને ઉત્તરથી દક્ષિણ કાશ્મીરમાં મોકલવાનું હતું. ખાલિદ કાશ્મીર ખીણામાં પાકિસ્તાન માટે કામ કરતો હતો. સોપોર, બારામુલા, હંદવાડા અને કુપવાડામાં ઘણા આતંકવાદી હુમલા પાછળ તેનો હાથ મનાતો હતો. પરંતુ ખાલિદે પોતાની લવર બોય વાળી ઇમેજ જાળવી રાખી હતી. અહેવાલો અનુસાર અથડામણ સમયે પણ તેની સાથે ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ હતી.
માહિતી અને અંતિમ એન્કાઉન્ટર : કેટલોક સમય પહેલા તે યુવતીએ ચોક્કસ સ્થાને ખાલિદની હાજરી હોવાની પાક્કી માહિતી આપી હતી. માહિતી બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને પોલીસે ઘેરી લીધો હતો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું, ખાલિદ ભાગી ગયો હતો અને ફરી એકવાર તે હાથમાંથી નીકળી ગયો. આ વખતે પણ જમ્મુ-કાશ્મીર પોલીસ તેના ઘુસવાની રાહ જોઇ રહી હતી. ખાલિદ પોતાના એક ખાસ વ્યક્તિ નોમળવા આવ્યો હતો. તેણે સામે ફાયરિંગ કર્યું પરંતુ એસપીજીએ તેનો વળતો પ્રતિકાર કર્યો અને તેને ઘાયલ કરી દીધો હતો. ચાર મિનિટ સુધી ચાલેલા ગોળીબાર બાદ ખાલિદ લાડુરામાં સરકારી શાળા નજીક પોતાના નિવાસે પહોંચવામાં સફળ રહ્યો હતો. જોકે, ત્યારબાદ તે એસઓજી, સીઆરપીએફ અને રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો વચ્ચે ઘેરાઇ ગયો અને અંતે માર્યો ગયો હતો.