અમદાવાદ, તા.૯
દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો હતો. ગોધરાકાંડ કેસમાં સ્પેશ્યલ કોર્ટે જે ૧૧ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી, તે ઘટાડી હાઇકોર્ટે આ ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. ચુકાદો આપતી વેળા હાઈકોર્ટનું વલણ નીચે મુજબ રહ્યું હતું અને આરોપીઓની પ્રતિક્રિયા નીચે મુજબની રહી હતી.
હાઇકોર્ટે ઇજાગ્રસ્ત સાક્ષીઓની જુબાની સહિતના પુરાવા માન્ય રાખ્યા
ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડ વખતે ઇજાગ્રસ્ત પેસેન્જર સાક્ષીઓ, પ્રવાસી મુસાફરો, રેલ્વે પોલીસના કર્મચારીઓ, રેલ્વે પ્રોટેકશન ફોર્સના જવાનો, ગોધરાના બે પોલીસ જવાનો, ગુજરાત રેલ્વે પોલીસ અને એફએસએલના નિષ્ણાતો તેમ જ આરોપીઓના કન્ફેશનલ સ્ટેટમેન્ટ સહિતના પુરાવાઓને માન્ય રાખી આરોપીઓને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. હાઇકોર્ટે ગોધરાકાંડ એ પૂર્વઆયોજિત કાવતરૂ અને ષડયંત્ર હોવાની થિયરીને પણ ગ્રાહ્ય રાખી અને ઉપરમુજબ સજાનો ચુકાદો જાહેર કર્યો હતો.
હાઇકોર્ટે ચુકાદાના વિલંબ બદલ ખેદ વ્યકત કર્યો
ગુજરાત હાઇકોર્ટે આ કેસનો ચુકાદો વિલંબિત થવા બદલ જેન્યુઇનલી ખેદ વ્યકત કર્યો હતો. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, વી રીગ્રેટ ધ ડિલે, બટ સર્ટેન થીંગ્સ આર નોટ ઇન અવર કંટ્રોલ. હાઇકોર્ટે જણાવ્યું કે, ચુકાદો વિલંબિત થયો તે બદલ અમને દુઃખ છે પરંતુ કેટલીક બાબતો અદાલતના હાથમાં પણ નથી હોતી.
મુકિત પામેલા ૬૩ આરોપીઓમાં ખુશીની લાગણી
ગુજરાત હાઇકોર્ટે જે ૬૩ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટે નિર્દોષ ઠરાવી મુકત જાહેર કર્યા હતા, તે મુક્તિના હુકમને યથાવત્ રાખ્યો હતો, જેને પગલે આ ૬૩ આરોપીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. મુકિત પામેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મૌલાના ઉમરજીનો પણ સમાવેશ થાય છે, જો કે, તે હાઇકોર્ટમાં અપીલ પેન્ડીંગ હતી તે દરમ્યાન જ ૨૦૧૩માં ગુજરી ગયા હતા.