(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
આજરોજ અમદાવાદમાં શાહીબાગ સરકીટ હાઉસ ખાતે આવેલા ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતિ સમક્ષ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ખાસ કરીને દરિયાપુર મતવિસ્તાર સહિત રાજ્યભરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી શંકાસ્પદ કટ્ટરવાદી તત્ત્વોની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી તેમના મોબાઈલ ઓબઝર્વેશનમાં મૂકવા અને રાજ્યમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આઈબીને અત્યારથી જ સતેજ કરી સિનિયર પોલીસ અધિકારીઓના પોઈન્ટ ગોઠવી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ગોઠવવાની માગણી કરી હતી. રાજ્યમાં હિન્દુ અને મુસ્લિમ શાંતિ અને ભાઈચારાથી જીવન ગુજારવા માગે છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં ધાર્મિક ધ્રુવિકરણ ઊભું કરી કટ્ટરવાદી તત્વો યેનકેન પ્રકારે શાંતિ, અમન અને ભાઈચારાના વાતાવરણને ડહોળી નિર્દોષ પ્રજાના જાનમાલને નુકસાનના ભોગે બહેનોને વિધવા અને બાળકોને અનાથ બનાવી ચૂંટણીઓ જીતવા માગે છે. નિર્દોષોને જેલમાં જવાનો વારો ન આવે તે માટે તેમના રક્ષણની જવાબદારી સરકાર, પોલીસ તંત્ર અને રાજકીય તેમજ સામાજિક આગેવાનીની છે. કોટ વિસ્તારમાં સુખી થયેલા લોકો આજે શહેરના પોશ વિસ્તારોમાં રહેવા જતા રહેલ છે. હવે તો ફક્ત રોજ લાવીને ખાનારા લોકો જ કોટ વિસ્તારમાં રહે છે. તેઓ શાંતિ-સદ્ભાવનાથી જીવન ગુજારવા માગે છે. ગુજરાતમાં લાંબા સમયથી એક પણ કોમી તોફાનની ઘટના ઘટી નથી. ગુજરાતમાં કોમી શાંતિ અને કરફ્યુમુક્ત અમદાવાદનો શ્રેય ભાજપ સરકાર અવારનવાર લઈ રહી છે પણ ચૂંટણી આવી રહી હોવાને કારણે રાજ્યની શાંતિ હણાય અને ફરી હિન્દુ-મુસ્લિમના મતોના વિભાજનના આધારે ચૂંટણી થશે તેવી આશંકા લાંબા સમયથી સેવાઈ રહી હતી ત્યારે શનિવાર તા.૭/૧૦/૧૭ના રોજ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ચોકી પાછળના ભાગમાંથી ૧૫ દેશી બોમ્બ મળી આવ્યા. ગઈકાલ તા.૮/૧૦/૧૭ને રવિવારના રોજ સરસપુર ખાતે કોમી દંગલ થયું તેમાં છથી વધારે લોકોને તલવારથી ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાઓથી મને મળેલ સચોટ માહિતીના આધારે પોલીસ કમિશનર સમક્ષ કરેલ ભીતિ સાચી પૂરવાર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૭/૧૦/૧૭ને શનિવારે આ વિસ્તારમાંથી ૧૫ દેશી બોમ્બ પકડવામાં આવ્યા હતા. દરિયાપુરના તમામ હિન્દુ-મુસ્લિમભાઈઓએ આ ઘટનાને એક રાજકીય ષડયંત્ર માનીને કોઈ અઘટિત ઘટના બનવા દીધી નહોતી. પોલીસ દ્વારા એક ૭૫ વર્ષની મહિલા અને એક યુવાનની ધરપકડ કરવામાં આવી શક્ય છે કે, ધરપકડ કરાયેલ લોકો નિર્દોષ પણ હોઈ શકે પ્રશ્નએ થાય છે કે, દરિયાપુરના હિન્દુ-મુસ્લિમભાઈઓ શાંતિ અને ભાઈચારાથી રહેવા માગે છે ત્યારે આ બોમ્બ મૂકવાનું કૃત્ય કોણે કરાવ્યું અને ધરપકડ કરાયેલ વ્યક્તિઓને કયા લોકોએ બોમ્બ મૂકવા મજબૂર કર્યા તે સઘન તપાસનો વિષય છે.