અમદાવાદ,તા.૯
પાટીદાર અનામત આંદોલનના મહિલા આંદોલનકારી રેશમા પટેલનો ભાજપનો કેસરિયો ખેસ પહેરેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આંદોલનકારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ અંગે રેશમાં પટેલે વાયરલ ફોટો ખોટો હોવાનો દાવો કર્યો છે. મહિલા આંદોલનકારી રેશમા પટેલે ભાજપનો ખેસ પહેરેલો ફોટો વાયરલ થવાના મામલે રેશમા પટેલે જણાવ્યું હતું કે વાયરલ થયેલો ફોટો હું કથામાં ગઇ હતી ત્યાંનો ફોટો છે. પરંતુ તેની સાથે ચેડાં કરીને રાજકીય આંદોલનકારીઓએ વાયરલ કર્યો છે. જો કે થોડા સમય અગાઉ મેં કોંગ્રેસના રાહુલ ગાંધીને પત્ર લખીને પાટીદારોને મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. એટલે કેટલાક રાજકીય આંદોલનકારીઓએ મારો અવાજ દબાવવા માટે મારો ફોટો ર્મોફ કરીને વાયરલ કરી દીધો છે. આંદોલન અનામત માટે છે. ત્યારે કેટલાક લોકો પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે આંદોલનના નામે ચૂંટણીમાં ટિકિટ મેળવવા માંગે છે.એટલે આવા તકવાદી રાજકીય આંદોલનકારીઓનો અમે પર્દાફાસ કરીશું. પાસાની કોરકમિટીના સભ્યોએ પણ રાજકીય પક્ષોે પાસેથી અનામત મુદ્દે સ્પષ્ટતા માંગવી જોઇએ તેવું હું માનું છું. જો કે ચૂંટણી સુધી કોઇપણ રાજકીય પક્ષ અનામત મુદ્દે ચોખવટ નહીં કરે તો અમે પાટીદારોને સ્વતંત્ર મતદાન કરવાનું એલાન કરીશું. રેશમા પટેલ ચૂંટણી લડશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મેં કયારેય રાજનીતિમાં નહિ જોડાઉ તેવું કીધું જ નથી,હા હું રાજનીતિમાં જરૂર જોડાઇશ. પરંતુ પાટીદાર સમાજના હિતમાં રાજનીતિ કરીશ.