અમદાવાદ, તા.૧૧
સામાજિક ચળવળકારી તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં એમની સામે દાખલ થયેલ એફઆઈઆર રદ કરાવવા અરજી દાખલ કરી છે. એમની ઉપર આક્ષેપો મૂકાયા છે કે, એમણે ડિસેમ્બર ર૦૦પમાં પંચમહાલ જિલ્લાના પાંઢરવાડાની ઘટનાના ર૦૦રના પીડિત મૃતદેહોને ખોદકામ કરાવી બહાર કઢાવ્યો હતો. સુપ્રીમકોર્ટે એમને સલાહ આપી કે એ આના માટે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૪૮ર હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરે. તિસ્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે અને એમની સામે કોઈ કેસ બનતો નથી. સરકારી વકીલે સમયની માગણી કરાતા બેંચના જજ એ.જે.દેસાઈએ ફરિયાદી અને સરકારને નોટિસો મોકલાવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સેતલવાડ વિરૂદ્ધ આક્ષેપો છે કે, એમણે ધાર્મિક લાગણીઓ દુભાવી છે. બનાવટી પુરાવાઓ ઊભા કર્યા છે. કબરના સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યું છે. તિસ્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે, મુસ્લિમ કોમની એક પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી કે એમની લાગણીઓ દુભાઈ છે.