(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢ મહાનગર-પાલિકાના જનરલ બોર્ડની એક બેઠક આજે કોર્પોરેશન ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે મળી હતી. આ બેઠકમાં શાસક ભાજપ પક્ષ અને કોંગ્રેસ વિપક્ષ દ્વારા વિવિધ વિકાસના કાર્યો મુદ્દે ભારે ધમાલ અને હંગામો મચી ગયો હતો. બોર્ડ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બિનસંસદીય શબ્દોનો પ્રયોગ થવાના મુદ્દે ભાજપની મહિલા નગરસેવિકાઓએ વોકઆઉટ પણ કર્યો હતો.
આજે નિર્ધારીત સમયે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા કોર્પોરેશન ખાતે યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાના શાસક-પક્ષના પદાધિકારીઓ, વિપક્ષ સહિતનાં કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડની કાર્યવાહી દરમ્યાન મહાનગરપાલિકાના પૂર્વ મેયર લાખાભાઈ પરમારે બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરતાં ભાજપની મહિલા નગરસેવિકાઓએ વોકઆઉટ કર્યો હતો. આ ઉપરાંત મહાનગરપાલિકાના મેયર આદ્યાશક્તિબેન મજમુદારના ટ્રસ્ટીપદ હેઠળની કોલેજના કથિત શિષ્યવૃત્તિ કૌભાંડના મામલે દલિત સમાજના યુવાનોએ બોર્ડમાં દેખાવો કર્યા હતા. આજનું આ બોર્ડ વિવિધ મુદ્દે ગરમાગરમી ભર્યું બની રહ્યું હતું. આ દરમ્યાન આજની સામાન્ય સભામાં સેક્રેટરીની નિમણૂક અંગેની દરખાસ્ત આવતાં કલ્પેશ ટોલિયાને નિમણૂક અપાઈ હતી જ્યારે ઉપરકોટનો વહીવટ ફરી પાછો જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને જ સોંપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વારંવાર હંગામો થયો હતો. શહેરના અધુરા વિકાસના કાર્યો પુરા થતાં નથી, ગાંધીગ્રામ-ઈવનગરનો રસ્તો ૧ વર્ષથી નવો બનાવવાનું કાર્ય ગોકળગતિએ થઈ રહ્યું છે. કોન્ટ્રાકટર અને મનપા તંત્ર વચ્ચે જીએસટી પ્રશ્ને ગડમથલ થવાથી આ રસ્તાનું કામ અટકી પડ્યું છે. મહનગરપાલિકાનાં જનરલ પ્રશ્ને ગડમથલ થવાથી આ રસ્તાનુ કામ અટકી પડ્યું છે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જે હંગામો મચી જવા પામ્યો હતો અને વિપક્ષ-કોંગ્રેસ સામે સત્તાધારી પાર્ટીએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપ શાસિત મહાનગરપાલિકાના ડે.મેયર ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું કે આજની બોર્ડની કાર્યવાહી દરમ્યાન સીસીટીવીના આધારે કોંગ્રેસના અભદ્ર વ્યવહાર અંગે ચોકસાઈ કરી અને કોંગ્રેસના સભ્યોને ગેરલાયક ઠરાવવાની ફરિયાદ કરવામાં આવશે. ગૃહમંત્રી, ડીઆઈજી, ડીએસપી તેમજ મુખ્યમંત્રી સુધી આજની બેઠકની કાર્યવાહી અંગેની રજૂઆતો કરવામાં આવશે. ખોટી ફરિયાદો દાખલ કરાવીને સત્તાધારી પક્ષને બાનમાં નહીં લઈ શકાય તેમ ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું.