(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
સૂત્રોના જણાવ્યાનુસાર દિવાળી પછી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલની તાજપોશી નક્કી મનાઈ રહી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોએ કહ્યું કે રાહુલની ચૂંટણી નિર્વાવાદ બની રહેશે તેમની સામે કોઈ ઉમેદવાર ઊભો નહીં રહે. સર્વસંમતિથી તેમની ચૂંટણી કરવામા આવશે. કોંગ્રેસના નિર્ણય લેનાર સૌથી મોટી સંસ્થા કોંગ્રેસ કાર્યકારી કમિટીની બેઠક મળશે જેમાં રાહુલને નામને આખરી ઓપ આપવામાં આવશે તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસમાં સંખ્યાબંધ રાજ્યના કોંગ્રેસ એકમોએ એક લાઈનનો ઠરાવ પસાર કરીને રાહુલે પાર્ટી અધ્યક્ષનો તાજ સંભાળી લેવાની વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સ્તરના કોંગ્રેસ યુનિટોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નવા અધ્યક્ષનું નામ જાહેર કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ યુપી અને હરિયાણા કોંગ્રેસ જેવા કેટલાક રાજ્યો શુક્રવારે તેની જાહેરાત કરી શકે છે. જો કોઈ કારણોસર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાય તો પીસીસીના પ્રતિનિધિઓ વોટ કરશે. કોંગ્રેસ ચૂંટણી પંચને ખાતરી આપી છે કે ડિસેમ્બર સુધીમાં નવા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પૂરી કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભાઓ કરીને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધન દરમ્યાન ભાજપના વિકાસ ગાંડો થયો છે ના મુદ્દે માર્મિક કટાક્ષ કરતાં ઉપસ્થિત હજારોની મેદનીમાં હાસ્યનુ મોજું ફરી વળ્યું હતું. રાહુલ ગાંધીએ વિશાળ જનમેદનીને પૂછયું હતું કે, ગુજરાતના વિકાસને શું થયું છે?…શું થયું છે? જેથી જનતાએ જવાબ આપ્યો હતો કે, વિકાસ ગાંડો થઇ ગયો છે. જનતાનો સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ લોકોને સમજાવ્યું હતું કે, તમને ખબર છે કે આ વિકાસ ગાંડો કેમ થઇ ગયો? વાસ્તવમાંમાં મોદી અને ભાજપ સરકારના જૂઠ્ઠાણાંઓ સાંભળી સાંભળીને વિકાસ ગાંડો થઇ ગયો છે. રાહુલ ગાંધી માટે ખરો પડકાર ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની વાળા એનડીએ માટે પોતાને પ્રોજેક્ટ કરવાનો રહેશે.