(એજન્સી) લાહોર, તા. ૧૧
લાહોર હાઈકોર્ટે આજે એવું કહ્યું કે પાકિસ્તાન સરકારે કોર્ટમાં મુંબઈ હુમલાના ગુનેગાર હાફિઝ સઈદની વિરૂદ્ધમાં પુરાવા ન રજૂ કર્યાં તો સઈદને છોડી મૂકવામાં આવશે. જમાત ઉદ દાવાના વડા સઈદ હાલમાં ૨૧ જાન્યુઆરીથી નજરકેદ હેઠળ છે. લાહોર હાઈકોર્ટે મંગળવારે સઈદની અટકાયત વિરૂદ્ધની એક અરજી પર સુનાવણી કરી હતી. કાર્યવાહી દરમિયાન ગૃહ મંત્રાલયના સચિવની ગેરહાજરથી ખફા લાહોર હાઈકોર્ટે કહ્યું કે ફક્ત પ્રેસ ક્લિપિંગને આધારે કોઈ વ્યક્તિને વધારે સમય સુધી નજરકેદ ન રાખી શકાય. જસ્ટીસ સૈયદ મઝહર અલી અકબર નકવીએ કહ્યું કે સરકારનું આચરણ દર્શાવે છે કે તેની પાસે હાફિઝ સઈદની સામે કોઈ પુરાવા નથી. તેથી જો કોર્ટમાં પુરાવા રજૂ ન કરવામાં આવ્યાં તો અરજદાર (સઈદ)ની નજરકેદને હટાવી લેવામાં આવશે અને તેને છોડી મૂકવામાં આવશે. જસ્ટીસ નકવીએ વાતે પણ અફસોસ પ્રગટ કર્યો કે ફક્ત એક સરકારી હસ્તીને રક્ષા પૂરી પાડવા માટે લશ્કર લગાવી દેવામાં આવ્યું પરંતુ કોર્ટને સહાય કરવા માટે એક પણ અધિકાર હાજર નહોતા. મોકુફની લગાતાર વિનંતીઓ પર ખેદ વ્યક્ત કરતાં જજે કહ્યું કે કાયદા અધિકારીઓની ઈચ્છા હતી કે કોર્ટ કામ કરતી અટકે. જજે આ કેસની સુનાવણી ૨૧ ઓક્ટોબર સુધી મોકુફ રાખી છે. સઈદના વકીલ એકે ડોગરે એવી દલીલ કરી કે સરકારે ધારણા અને ફક્ત અફવાને આધારે સઈદને નજરકેદ કર્યાં છે. તેમણે કહ્યું કે કાયદા હેઠળ કોઈ ધારણા કે અનુમાનને જ્યાં સુધી પુરાવારૂપી ટેકો ન હોય ત્યાં સુધી તે આશંકા બનતી નથી. પંજાબ સરકારે આ પહેલા પણ કોર્ટને કહી દીધું છે કે જો હાફિઝ સઈને છોડી મૂકવામાં આવશે તો તેનાથી જાહેર સલામતી પર ગંભીર સંકટ ખડુ થશે અને જાહેર વ્યવસ્થા ભાંગી પડશે.