જંબુસર, તા.૧૧
જંબુસર નગરપાલિકામાં ચાલતાં ભ્રષ્ટાચાર, ગેરરીતિના વિરોધમાં તથા તેની સામે કોઈ કાર્યવાહી હાથ ન ધરાતાં જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ધરણાનો કાર્યક્રમ જંબુસર નગરપાલિકા પાસે યોજવામાં આવ્યો હતો.
જંબુસર નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પાલિકા વિપક્ષના દંડક દ્વારા પાલિકા પ્રમુખને વારંવાર રજૂઆત કરી હતી. જેમાં ખોટા ખોટા બિલો લખી સરકાર અને જંબુસર નગરપાલિકાના હિતને નુકસાન થાય તેવા ખર્ચા ઉધારવામાં આવે છે જે ગંભીર બાબત છે સત્તાધારી પક્ષના બાંધકામ સમિતિના ચેરમેનને પણ માહિતી આપવામાં આવતી નથી. ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ નિવેડો નહીં આવતા જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખની રાહબરી હેઠળ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ધરણાના કાર્યક્રમનંુ આયોજન નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું. શહેર કોંગી અગ્રણીઓ જંબુસર એસ.ટી. ડેપો સર્કલ ખાતે એકત્ર થયાં હતા અને ત્યાંથી ઢોલ-નગરા સાથે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતાં નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને ધરણા પર બેઠા હતા. કલેકટર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તેવી માંગ છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખને પણ પૂછવામાં આવતાં તેમણે જણાવેલ કે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપ પાયા વિહોણા છે.
ધરણાના કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પંચાયત વિપક્ષ નેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.