પાલનપુર, તા.૧૧
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે વિકાસએ મજાક છે. જ્યારે અમારા માટે વિકાસ એ મિજાજ છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા યોજી છે. જે યાત્રા આજે બનાસકાંઠામાં આવી પહોંચી હતી. પાલનપુર ખાતે યાત્રાનું બાઈક રેલી યોજી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે જન સભાને સંબોધતા સી.એમ. રૂપાણીએ વિકાસના મુદ્દે ફરીથી જનાદેશ મેળવવાની વાત દોહરાવી હતી. તેઓએ ભાજપના રાજમાં થયેલા વિકાસની ગાથા રજૂ કરી હતી. તેઓએ વિકાસને મજાક બનાવનાર કોંગ્રેસને આડે હાથ લઇ વેધક પ્રહારો કર્યા હતા.
પાલનપુરમાં ગૌરવ યાત્રાને કોંગ્રેસ-આપ, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સ્ટેજ પરની સીડી તૂટી પડતા કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી સહિતના ભાજપી અગ્રણીઓ ગબડી પડતા વિકાસ ગોથે ચડ્યો હોવાની રમુજ વહેતી થઈ હતી.
વિકાસ ગબડી પડ્યો
પાલનપુરમાં ગૌરવ યાત્રાની જનસભા સંપન્ન થયા બાદ સી.એમ.રૂપાણી મીડિયા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યારે પ્રસિદ્ધિની ઘેલછામાં સી.એમ.ની પાછળ મોટી સંખ્યામાં ભાજપી અગ્રણીઓ ઉભા રહેતા સ્ટેજ પરની સીડી તૂટી પડી હતી. જેથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા સહિતના ભાજપ અગ્રણી ઓ ગબડી પડ્યા હતા. જેને લઈને પાલનપુરમાં ગાંડો થયેલો વિકાસ ગબડી પડ્યો હોવાની રમુજભરી વાતો વહેતી થઇ હતી.
વિરોધીઓની કરી અટકાયત
પાલનપુરમાં ગૌરવ યાત્રાનો વિરોધ કરવા જોરાવર પેલેસ પાસે કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા. ગૌરવ યાત્રાના આગમન પૂર્વે વિરોધ કરવા જતા કોંગ્રેસના ૩૦થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જ્યારે આશા અને આંગણવાડી બહેનોની પણ અટકાયત કરી હતી. જ્યારે ગુરૂ નાનક ચોક ખાતે કાળા વાવટા ફરકાવી સરકાર વિરોધી બેનરો પ્રદર્શિત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ અટકાયત કરાઈ હતી. જેઓને પોલીસ હેડ ક્વાટર્સ લઈ જવાયા હતા. જ્યાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી હોબાળો થયો હતો. આ લોકોને મોડી સાંજ સુધી મુક્ત કરાયા ન હોવાના અહેવાલ સાંપડ્યા છે.