(એજન્સી)
અલ્હાબાદ, તા. ૧૨
આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના કોર્ટરૂમમાં ચુકાદો વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે કોર્ટ રૂમ ૩૦૦ લોકોથી ખીચોખીચ ભરાયેલો હતો. ૨.૪૦ ની આસપાસ અલ્હાબાદ હાઈકોર્ટના જજ આવ્યાં અને તેમણે ૧૦ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે તલવાર દંપતિ જેલમાં હતા. ચુકાદો જાહેર કરનાર જજે આજે કહ્યું કે તલવાર દંપતિને સંદેહનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી અને તલવાર દંપતિ હત્યારા નથી. અર્થાત સીબીઆઈ તલવાર દંપતિની સામે પર્યાપ્ત પુરાવાઓ એકત્ર કરવામાં નિષ્ફળ નીવડી. અગાઉ પરિસ્થિતિજન્ય સાંયોગિક પુરાવાઓને આધારે તેમને દોષી ઠેરવવામાં આવ્યાં હતા. ૨૦૧૦ માં સીબીઆઈએ કહ્યું કે તલવાર દંપતિની સામે કોઈ પુરાવાઓ ન હોવાથી સીબીઆઈ કેસ બંધ કરી દેવા માંગે છે પરંતુ સીબીઆઈ કોર્ટે કેસ બંધ કરવાનો ઈન્કાર કરી દીધો અને સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ચાર્જશીટમાં ફેરવી નાખ્યો. જેકે ત્યારે સીબીઆઈ કહ્યું હતું કે તલવાર દંપતિની સામે કોઈ પુરાવા ન હોવા છતાં એજન્સીનું માનવું છે કે રાજેશ તલવારે જ આરૂષિની હત્યા કરી છે. આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં અનેક વળાંક, ઉલટફેર આવ્યાં છે. આ કેસમાં તલવાર દંપતિને દોષી ઠેરવવામાં આવ્યા હોવા છતાં પણ હજુ પણ આ કેસ રાષ્ટ્ર માટે એક રહસ્યમયી કોયડા સમાન રહ્યો છે.