નવી દિલ્હી, તા. ૧૨
ચૂંટણી પંચે ગુરૂવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં હિમાચલપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. એવી આશા રખાતી હતી કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવશે પરંતુ ચૂંટણી પંચે કહ્યું છે કે, ગુજરાતમાં ૧૮મી ડિસેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવાશે. હવે ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત અન્ય દિવસે કરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ રાજ્યમાં રાજ્યમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ૧૬થી ૨૩ ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરવાની તારીખો છે. નવમી નવેમ્બરના રોજ હિમાચલપ્રદેશમાં ચૂંટણીઓ યોજાશે જ્યારે ચૂંટણીના પરિણામો ૧૮મી ડિસેમ્બરે થશે. હિમાચલ પ્રદેશમાં તમામ પોલિંગ બૂથો પર વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. આથી તમામ બૂથો પર વીવીપીએટીના ઉપયોગવાળી આ દેશની પ્રથમ ચૂંટણી હશે.
મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતીએ જણાવ્યંુ હતું કે, હિમાચલપ્રદેશમાં ચૂંટણીની જાહેરાત થતા જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. તમામ પોલિંગ સ્ટેશનો પર વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ફોટો વોટર આઇડીનો પણ ઉપયોગ કરવામાં આવશે. મતદાર મત આપશે ત્યારે તમામ મશીનોમાંથી સ્લીપ બહાર આવશે. તેમણે જણાવ્યંુ કે, ચૂંટણી કાર્યક્રમની યોજના એવી રીતે ઘડવામાં આવી છે કે, હિમાચલ પ્રદેશના પરિણામોની અસર ગુજરાત ચૂંટણી પર નહીં પડે. ચૂંટણી કમિશનરે જણાવ્યંુ હતું કે, દરેક ઉમેદવાર પોતાના મતવિસ્તારમાં પ્રચાર માટે ૨૮ લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. આ ઉપરાંત તમામ પોલિંગ બૂથો અને રેલિઓની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારે ફોર્મના તમામ કોલમ ભરવાના રહેશે. મહત્વની વાત એ છે કે, પહેલીવાર હિમાચલપ્રદેશમાં ૧૩૬ પોલિંગ બૂથો પર તમામ કર્મચારીઓ મહિલાઓ હશે.
ઉમેદવારે ૧૬થી ૨૩ ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાના રહેશે. હિમાચલપ્રદેશમાં ૧૬મી ઓક્ટોબરે જાહેરનામું બહાર પડતા જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ જશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૩ ઓક્ટોબર હશે. ઉલ્લેખનીય છે કે, ૧૮૨ વિધાનસભાવાળી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ૨૨મી જાન્યુઆરીએ સમાપ્ત થાય છે જ્યારે ૬૮ સભ્યોવાળી હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ સાતમી જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.
ગુજરાત ચૂંટણીની તારીખોની ઘોષણા ન કરીને ચૂંટણી
પંચે જાતે જ તેની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી દીધી
ચૂંટણી પંચે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી પરંતુ ગુજરાતની ચૂંટણીઓ માટેની ચોક્કસ તારીખો જાહેર કરવામાં નિષ્ફળ નિવડી છે જોકે, બંને રાજ્યોમાં એકી સાથે સામાન્ય રીતે ચૂંટણીઓ આવી રહી છે. સામાન્ય રીતે ઘણા સમયથી ચૂંટણી પંચ છ મહિનાની આસપાસ બે રાજ્યોની ચૂંટણી હોય ત્યારે તેની એકીસાથે જાહેરાત કરે છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણીઓ ૯મી નવેમ્બરે એક તબક્કામાં યોજાશે જ્યારે તેના પરિણામ ૧૮મી ડિસેમ્બરે જાહેર થશે તેવી ચૂંટણી પંચે ગુરૂવારે જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતીએ જણાવ્યંુ હતું કે, ગુજરાત અને હિમાચલમાં એકી સાથે ચૂંટણીઓ આવે છે પરંતુ ગુજરાતમાં પણ ૧૮મી ડિસેમ્બર પહેલા ચૂંટણીઓનું આયોજન કરી લેવામાં આવશે. જોતીએ ફોડ પાડ્યો હતો કે, એક રાજ્યની મતદાન પદ્ધતિ બીજા રાજ્યને અસર ન કરે તેને જોવા આ નીતિ અપનાવાઇ છે. આનો અર્થ એવો થયો કે, હિમાચલ પ્રદેશમાં આચાર સંહિતા લાગુ થઇ પરંતુ ગુજરાતમાં નહીં કારણ કે તેની તારીખો જાહેર નથી થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવનારા છે, ત્યારે પૂર્વ ચૂંટણી કમિશનરે નામ ન આપવાની શરતે એક સમાચાર એજન્સીને જણાવ્યંુ હતું કે, વડાપ્રધાન ગુજરાતમાં આવી નવી યોજનાઓ, પેકેજ તથા અન્ય જાહેરાતો કોઇ આચાર સંહિતા વિના જાહેર કરી શકે તે માટે ગુજરાતની ચુંટણીની જાહેરાત કરવામાં ન આવી હોય તેમ બની શકે છે.