અમદાવાદ, તા.૧ર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેંચવા અંગે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે અનામત આંદોલન અને ત્યારબાદ પોલીસ સાથે થયેલ ઘર્ષણ દરમ્યાન પાટીદાર સમુદાય ઉપર નોંધાયેલા કેસોમાંથી આજે વધુ ૧૩૬ કેસો પાછા ખેંચાયા છે. આજે ૧૩૬ કેસો મળી કુલ અત્યાર સુધીમાં ર૪પ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે.
પાટીદાર આંદોલન સમયે રેલવે એકટ હેઠળ નોંધાયેલ કેસો પરત ખેંચવા અંગે ખાસ મંજૂરી લેવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર પાઠવીને આ અંગેના કેસો પરત ખેંચવા વિનંતી કરવામાં આવી છે.
પાટીદાર આંદોલન અને ત્યાર પછી પાટીદાર સમુદાયના લોકો સામે નોંધાયેલ કેસો ઝડપથી પરત ખેંચવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. ૪ર સિવાયના બાકીના કેસો આગામી બે-ત્રણ દિવસમાં પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું.